વર્ષો બાદ નવાબની હવેલીનું ખોલવામાં આવ્યું તાળું ને પછી જે થયું એ તો…

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ યુપીના રાયપુરમાં નવાબ ખાનદાનના સ્ટ્રોંગ રૂમને નિરીક્ષણ અંતર્ગત ખોલવામાં આવ્યો તો ચોંકાવનારો ખુલાસો થયો. વર્ષોથી બંધ નવાબ ખાનદાનનો સ્ટ્રોંગ રૂમ ખાલી મળ્યો છે, જે ખજાના માટે સ્ટ્રોંગરૂમને ગેસ કટરથી કાપવામાં આવ્યો તે ખજાનો અહીંથી ગાયબ હતો. હવેલીનું નિરિક્ષણ કરનારી ટીમ પણ આ જોઇ ચોંકી ગઇ હતી.

ઉત્તર પ્રદેશના રામપુર સ્થિત નવાબ મિક્કી મિયા ખાનદાનની હવેલી ખાસબાગની સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે કરી રહેલી ટીમને હવેલીના નિરિક્ષણ દરમિયાન નવાબ ખાનદાનનો સ્ટ્રોંગ રૂમ મળ્યો. તેમણે જણાવ્યું હતું કે તેમાં નવાબ ખાનદાનનો કિંમતી ખજાનો છે.

ટીમે જ્યારે એ સ્ટ્રોંગ રૂમને ખોલવાનું વિચાર્યું તો ચાવી ગુમ હોવાને કારણે તેને ખોલી ના શકાયો. ત્યારબાદ ગેસ કટરથી તાળું તોડવું પડ્યું હતું. પરંતુ જ્યારે કટરથી કાપ્યા બાદ સ્ટ્રોંગ રૂમ ખુલ્યો તો તેમાં કોઇ ખજાનો નહોતો. પૂર્વ મંત્રી કાઝિમ અલી ખાં ઉર્ફ નવેદ મિયાંએ જણાવ્યું કે ખજાનો ના મળવો તે શંકા ઉપજાવે છે. આ સ્ટ્રોંગ રૂમમાં રાખેલા કિંમતી ઘરેણા તથા તાજ પણ ના મળ્યો. અહીં 1980માં ચોરી પણ થઇ હતી. ત્યારબાદ આ સ્ટ્રોંગ રૂમ બંધ હતો.

નવાબઝાદા હૈદર અલી ખાં ઉર્ફ હમજાએ જણાવ્યું કે તિજોરી ખુલી ગઇ છે, જેમાં અનેક હથિયારો મળ્યા, જે સુંદર પણ છે અને જાણીતી કંપનીઓના પણ છે. મોટાભાગના હથિયાર સ્કોટલેન્ડ, લંડન, ફ્રાંસ, જર્મનીની બનાવટના છે. હથિયારોમાં 1000 તલવાર અને અંગ્રેજોના જમાનાની 315 રાઇફલ મળી હતી, જેના મૂલ્યાંકન માટે અલગ કમિટી બનાવવામાં આવી છે. જોકે, ચલ સંપત્તિમાં કેટલીક કિંમતી વસ્તુઓ ભંગાર બની ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે તેના મૂલ્યાંકનમાં અનેક મહિનાનો સમય લાગી શકે છે.

નવાબ ખાનદાનની પુત્રવધુ નૂરબાનોના જણાવ્યા પ્રમાણે 1930માં તેના સસરા નવાબ રજા અલી ખાંના પિતા નવાબ હામિદ અલી ખાંએ હવેલી ખાસબાગનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારથી આ સ્ટ્રોંગ રૂમ બની ગયો હતો. નૂરબાનોએ દાવો કર્યો હતો કે સ્ટ્રોંગરૂમ પર જો બોમ્બ પડે તો પણ તેને કોઇ નુકસાન થશે નહીં.

આ દીવાલમાં 16-16 મિલીમીટર ધાતુના ત્રણ પડ છે. થોડા દિવસ પહેલા ટીમે સ્ટ્રોંગ રૂમને ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ સમયે કટરથી પણ કપાયું નહોતું. ત્યારબાદ કામ બંધ કરી દેવામાં આવ્યું હતું અને આ દરમિયાન મળેલા મિશ્રણ તથા લોખંડના ટુકડાને તપાસ માટે ગુરુગ્રામ મોકલવામાં આવ્યા હતા, જેથી જાણી શકાય કે તેમાં કઇ કઇ ધાતુ વપરાઇ છે.

નવાબના સંતાનોમાં નવાબ ઝુલ્ફિકાર અલી ખાં ઉર્ફ મિક્કી મિયાંની પત્ની તથા પૂર્વ સાંસદ બેગમ નૂરબાનોના દીકરા અને રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલા નવેદ મિયાં જ રામપુરમાં રહે છે. બાકી તમામ લોકો રામપુરથી બહાર છે. નવાબ મુર્તજા અલી ખાંના દીકરા પણ ગોવા અને દિલ્હીમાં રહે છે. આ ઉપરાંત તલપ ફાતિમા હસન અમેરિકા, સમન અલી ખાં મહારાષ્ટ્ર, સૈયદ સિરાજુલ હસન બેંગલુરુ અને ગિજાલા મારિયા સેગબર્ગ જર્મનીમાં રહે છે.

રામપુરમાં ખાનબાગ 12 કિમી વિસ્તારમાં ફેલાયેલો છે. તેની વચ્ચે હવેલી ખાસબાગ બનેલી છે. આલીશાન હવેલી એવી રીતે બનાવવામાં આવી છે કે ભીષણ ગરમીમાં પણ તે એકદમ ઠંડી રહે. અહીં આસપાસ તાપમાન પણ પાંચ ડિગ્રી ઓછું રહે છે. હવેલી યુરોપીયન ઇસ્લામી શૈલીમાં બનેલી છે. અહીંના મોટા મોટા રૂમ બર્માટીક અને બેલ્ઝિયમ ગ્લાસના ઝુમ્મરોથી સજાયેલા છે. હવેલીમાં નવાબની ઓફિસ, સિનેમા હોલ, સેન્ટ્રલ હોલ તથા સંગીત હોલ પણ બનાવવામાં આવ્યો છે. હવેલીમાં અઢીસો રૂમ છે.

કોસી નદી કિનારે બનેલી આ હવેલીની ચારે બાજુ બગીચો છે, જેમાં એક લાખથી વધુ વૃક્ષો લાગેલા છે. સેન્ટ્રલ હોલમાં કિંમતી પેન્ટિંગ છે. સીડી ઇટાલિયન માર્બલમાંથી બનાવવામાં છે.