લગ્નના દિવસે જ દુલ્હનનું મોત, હાથની મહેંદી હજી સુકાઈ પણ નહોતી, વરરાજા પર તૂટી પડ્યું આભ

વડોદરા જિલ્લામાં હચમચાવી મૂકતો બનાવ સામે આવ્યો છે. એક આધેડના છેક 63 વર્ષની વયે 40 વર્ષની કન્યા સાથે લગ્ન થયા હતા. દંપતીએ લગ્ન કરીને ગૃહપ્રવેશ બાદ જેવું મીંઢળ છોડ્યું કે દુલ્હનનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. લગ્ન કર્યાના દિવસે જ પત્ની દુનિયા છોડીને ચાલી જતાં આધેડ પર આભ તૂટી પડ્યું છે.

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પીપરછટ ગામમાં અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ગામના પશુપાલક કલાભાઈ રબારીએ જીદ પકડી હતી કે લગ્ન કરીશ તો સમાજની છોકરી સાથે જ કરીશ. આ જીદમાં ને જીદમાં કલાભાઈની ઉંમર વધી ગઈ હતી.

કલાભાઈભાઈ રબારી છેલ્લાં ચાર દાયકાથી પોતાના સમાજમાં જ કન્યા શોધવા માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા. જોકે અંતે 63 વર્ષની વયે તેમના ખેડાના ઠાસરા ગામની 40 વર્ષની કન્યા લીલાબેન સાથે નક્કી થયા હતા. બંનેને એકબીજા પસંદ આવી જતાં લગ્ન ફીક્સ કરાયા હતા.

વર્ષો બાદ પોતાના લગ્ન નક્કી થતાં કલાભાઈના મનમાં ખૂબ હરખ હતો. તેમણે ગત્ 23મી જાન્યુઆરીના રોજ પોતાના પીપરછટ ગામે ભોજન સમારંભ રાખ્યો હતો. જેમાં આજુબાજુના પાંચ ગામોના લોકો સિવાય સંબંધીઓને તેડાવી જમાડ્યા હતા.

જમણબાર બાદ બીજા દિવસે કલાભાઈ રબારી 50 લોકો સાથે ખેડા જિલ્લાના ઠાસરા ખાતે વાજતે-ગાજ જાન લઈને ગયા હતા. અહીં વિધિ પ્રમાણે લગ્ન થયા હતા. જીવનની નવી ઈનિંગ શરૂ કરવાના હરખ સાથે લીલાબેન ભાઈના ઘરેથી પરણીને સાંજે 4 વાગ્યે નીકળ્યા હતા.

ચાર દાયકા સુધી કુંવારા રહેલા કલાભાઈ કન્યા લઈને આવતાં પીપરછટમાં ઉમંગ છવાઈ ગયો હતો. કન્યાને નિહાળવા માટે ગામની યુવતીઓ મોટી સંખ્યામાં આવી હતી. કન્યાએ સાસરિયામાં ગૃહપ્રવેશ કર્યા બાદ મીંઢળ છોડવાની વિધિ પૂરી કરી હતી.

હાથેથી મીંઢળ છોડતાં જ દુલ્હન લીલાબેનને ચક્કર આવવા લાગ્યા હતા. દરમિયાન વધુ તબિયત લથડતાં લીલાબેનને કાલોલની ખાનગી હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ લીલાબેને અંતિમ શ્વાસ લીધા હતા.

કલાભાઈ રબારીના પરિવારજનોએ ભારે હ્રદયે લીલાબેનના ભાઈને દુ:ખદ ઘટના અંગે જાણ કરી હતી. બાદમાં લીલાબેનના પાર્થિવ દેહને ઠાસરા ગામે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ગળતેશ્વર મહીસાગર નદીમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. આ વખતે હાજર સૌ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

હજી તો દુલ્હનના હાથની મહેંદી પણ સુકાઈ નહોતી ને તેણે દુનિયા છોડી દીધી હતી. મંડપમાં બંધાયેલા તોરણ પણ હજી લીલા જ હતા. એક આધેડને જીવનના અંતિમ પડાવ પર મળેલો સાથ પણ છૂટી ગયો હતો.