થર્ટી ફર્સ્ટ પર યુવાનો છાકટા બન્યા, એક સાથે એટલા પીધેલા ઝડપાયા કે જગ્યાઓ ખૂટી પડી

નવા વર્ષને આવકારવા માટે યુવાધન ઘેલું થયું છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે દારૂ પીવો એ આજની યુવા પેઢીને ફેશન બની ગઈ છે. પોલીસે પણ આવા તત્વો ઝડપી પાડવા કડક કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત ગુજરાતની દમણ બોર્ડર પાસે વલસાડ પોલીસે કડકાઈથી વાહન ચેંકિગ હાથ ધર્યું હતું. જેમાં 20-30 નહીં પણ 916 નબીરા દારૂ પીતા ઝડપાયા હતા. એટલું જ નહીં દારૂની મહેફીલ માણનાર નબીરાઓની ખાતિરદારી માટે પોલીસે સ્પેશિયલ મેરેજ હોલ ભાડે રાખવો પડ્યો હતો. દારૂડિયાની ભીડ એટલી બધી હતી કે, સરકારી ગાડીઓ પણ ઓછી પડી હતી. જેથી પોલીસે ખાનગી બસ ભાડે રાખવી પડી હતી.

દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશતા લોકોને અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 32 આંતરરાજ્ય ચેકપોસ્ટ અને 39 અન્ય ચેકપોસ્ટ બનાવી કડકાઇથી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 30 ડિસેમ્બરે સાંજે વલસાડ જિલ્લા પોલીસે અલગ-અલગ ચેકપોસ્ટ પર કડકાઈથી વાહન ચેકિંગ અને બ્રેથ એનલાઈઝર મશીન વડે પીધેલા લોકોનો ટેસ્ટ કરતાં દારૂના નશામાં મળી આવેલા 916 ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તમામને ગુજરાતમાં દારૂબંધીના કાયદાના પાઠ ભણાવ્યા હતા.

બાતમીદારો અને સોશિયલ મીડિયાની ટીમ એક્ટિવ
દારૂના નશામાં આવેલા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ મથક નજીકના વિસ્તારોમાં મેરેજ હોલ અને વાડી વલસાડ જિલ્લા પોલીસે ભાડે રાખી છે. ચેકપોસ્ટ પરથી વાડી પર લાવવા માટે ખાનગી લક્ઝરી બસો તેમજ સરકારી વાહનોની મદદ લેવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ અને પાર્ટી થઈ શકે એવાં તમામ સ્થળો પર વલસાડ LCB અને SOGની ટીમ તેમજ જિલ્લા પોલીસના જવાનો બાજનજર રાખી બેઠા છે.

પાર્ટીમાં દારૂનો જથ્થો કે નશીલા પદાર્થની મહેફિલ માણતા લોકોને અટકાવવા પોલીસે બાતમીદારો અને સોશિયલ મીડિયાની ટીમને એક્ટિવ કરી દીધી છે.

જિલ્લાની તમામ ચેકસ્પોટ પર દારૂના નશામાં ઝડપાયેલા લોકો સામે કોવિડ ગાઈડલાઈન્સ સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસ મથક નજીક હોલ કે વાડી ભાડે રાખવામાં આવી છે, જેમાં પોલીસ જવાનો અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ અને કોવિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દમણ અને દાદરા અને નગર-હવેલી ખાતે દારૂની મહેફિલ માણીને ઘરે પરત આવી રહેલા, પોલીસ ચેકિંગમાં પકડાઈ ગયેલા લોકોને છોડાવવા માટે પરિવારના સભ્યોની દોડધામ વધી ગઈ હતી.

વલસાડ જિલ્લાનાં વિવિધ પોલીસ મથકો બહાર પરિવારના સભ્યોને છોડાવવા આખી રાત આંટાફેરા મારતા રહ્યા હતા. પોલીસે તમામ નશાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.