કોરોના સામેની જંગમાં ક્રિકેટર યુવરાજ સિંહ પણ આવ્યો આગળ, પીએમ કેયર્સમાં કર્યુ દાન

મુંબઈ: ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર યુવરાજસિંહે શનિવારે કોરોના રોગચાળા સામે લડવા માટે પ્રધાનમંત્રી કેયર્સ ફંડમાં 50 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. યુવરાજસિંહના આ પગલાંના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ ઓલરાઉન્ડરે લોકોને કોવિડ -19 રોગચાળા સામે એકતા રાખવાની અપીલ પણ કરી છે. આ જીવલેણ વાયરસ દ્વારા દેશમાં અત્યાર સુધીમાં 3,500 થી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને 80થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

યુવરાજે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘આ એકતા દર્શાવવાના દિવસે હું પીએમ કેયર્સ ફંડમાં 50 લાખ રૂપિયા દાન આપવાનું વચન આપું છું. કૃપા કરીને તમે પણ તમારાવતી યોગદાન આપો.

તો બીજી તરફ, અનુભવી ઓફ સ્પિનર હરભજર સિંહ અને તેની પત્ની ગીતા બસરા લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે આગળ આવ્યા છે. ભજ્જીએ જણાવ્યું હતું કે તેઓ અને તેમની પત્ની ગીતા બસરા આ મુશ્કેલ પરિસ્થિતિમાં જલંધરના 5000 પરિવારોને રાશન આપશે.