Corona: બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસરની બન્ને પુત્રીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

શાહરૂખ ખાનના ખુબ જ નજીકના પ્રોડ્યુસર કરીમ મોરાનીની દીકરી શઝા મોરાની અને જોયા મોરાનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેને નાનાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. શઝા અને જોયા પોતાના પેરેન્ટ્સની સાથે રહે છે. પહેલા શઝા કોરોના પોઝિટિવ આવી ત્યારબાદ તેની બહેન ઝોયાનું રિઝલ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બંને દિકરીના કારણે પરિવાર પર પણ ખતરાની ઘંટી છે. ઉલ્લેખનીય છે કે કરીમ મોરાની પોતાના પરિવાર સાથે મુંબઇના જુહુ વિસ્તારમાં રહે છે જ્યાં અનેક બોલીવૂડ સ્ટારના બંગલા આવેલા છે. જુહુમાં કોરોના કેસ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.

જે બિલ્ડિંગમાં મોરાની પરિવાર રહે છે તેનું નામ શગુન છે. હાલ સમગ્ર બિલ્ડિંગને લોકડાઉન કરી દેવામાં આવી છે. શઝાના પરિવારના 9 સભ્યોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે.

કરીમ મોરાનીના જણાવ્યા પ્રમાણે શઝા ક્યારેય વિદેશ ગઇ નથી અને તે વિદેશ ગયેલા કોઇ વ્યક્તિના સંપર્કમાં પણ આવી નથી એવામાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવો ખુબ જ ચિંતાનો વિષય છે.

રિપોર્ટ્સ પ્રમાણે શઝાની હાલત સ્થિર છે. પરિવારે તે ઝડપથી સાજી થઇ જશે તેવો દાવો કર્યો છે. મોરાની પરિવારના અન્ય સભ્યો પણ હાર ક્વોરન્ટાઇન છે.

કરીમ મોરાની ચેન્નઇ એક્સપ્રેસ, દમ અને યોદ્ધા સહિત અને ફિલ્મ બનાવી ચૂક્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલેમાં તેઓ કો-પ્રોડ્યુસર હતા.

મોરાનીનું નામ 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં પણ સામે આવ્યું હતું. તેઓને સીબીઆઇએ અરેસ્ટ પણ કર્યા હતા. 2014માં મોરાનીના ઘરે કેટલાક લોકોએ ફાયરિંગ પણ કર્યું હતું. ત્યારબાદ મુંબઇ પોલીસે તેઓને સિક્યોરિટી આપી હતી.

કરીમ ઇવેન્ટ અને પ્રોડક્શન કંપની સિનેયુગના માલિક છે. તેમની દીકરી ઝોયાએ 2011માં ફિલ્મ ઓલવેઝ કભી કભીમાંથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે બોલીવૂડમાં કોરોનાનો આ બીજો પોઝિટિવ કેસ છે. આ પહેલા સિંગર કનિકા કપૂરને કોરોના થઇ ગયો હતો. કનિકા હાલ લખનઉની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 5 રિપોર્ટ્સ બાદ કનિકાનો છઠ્ઠો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે રાહતની વાત છે.