પ્રેમ સામે હાર્યો કોરોનાઃ લોકડાઉનમાં પણ 1400 કિમી દૂર જઈને કપલે આવી રીતે કર્યા લગ્ન

ભારતમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. એવામાં તેને વધુ ફેલાવાથી રોકવા માટે 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી હોવાની ફરિયાદો પણ આવી રહી છે. સમગ્ર દેશ જાણે કે રોકાઇ ગયો છે. ઓફિસ, ફેક્ટરીઓ રસ્તાઓ સૂમસામ થઇ ગયા છે. લોકોને ઘરમાં જ રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ દરમિયાન લોકો પોતાના સંબંધીઓ અને તેની સાથે વાતચીત કરવા માટે પણ વીડિયો કોન્ફ્રેન્સીંગની મદદ લઇ રહ્યાં છે.

લોકડાઉનના કારણે પહેલાથી નક્કી કરાયેલા લગ્ન પણ પોસ્ટપોન્ટ થઇ રહ્યાં છે. પરંતુ એક કપલે પોતાના પ્રેમ અને લગ્ન વચ્ચે કોરોનાને મ્હાત આપી છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે મર્ચન્ટ નેવીમાં ઓફિસર પ્રીત સિંહ મુંબઇમાં રહે છે અને તેની ગર્લફ્રેન્ડ નીત કૌર દિલ્હીમાં રહે છે. બંનેના લગ્ન 5 એપ્રિલે થનારા હતા. પરંતુ લોકડાઉનના કારણે બંનેના લગ્નમાં વિઘ્ન આવ્યું.

લગ્નની તારીખ નક્કી થઇ ગઇ હતી પરંતુ દેશમાં કોરોના મહામારીને કારણે કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવામાં આવ્યા જેમાં લોકડાઉનનો પણ સમાવેશ થાય છે. એવામાં બંનેએ આ લગ્ન નિર્ધારિત સમયે જ કરવાનું નક્કી કર્યું અને એક ઉપાય શોધ્યો.

બંનેએ શનિવારે વીડિયો કોન્ફ્રેન્સિંગનું આયોજન કર્યું. આ કોન્ફ્રન્સિંગ દરમિયાન બંનેએ રીતિ રિવાઝથી લગ્ન કર્યા. એટલું જ નહીં આ લગ્નમાં દુબઇ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા તેમના મિત્રો અને સંબંધીઓ પણ સામેલ થયા અને ઓનલાઇન આશિર્વાદ આપ્યા.

પ્રીત અને નીતના લગ્ન અગાઉથી જ નક્કી હતા. પરંતુ કોરોના વાયરસના કારણે લગ્ન કરવા કે નહીં તે નક્કી કરવામાં મુશ્કેલી આવી રહી હતી. પરંતુ ઇન્ટરનેટ લગ્નમાં બંને દુલ્હા દુલ્હન અને સંબંધીઓ પણ લગ્નના કપડામાં નજર આવ્યા હતા. આ દરમિયાન કેટલાક સંબંધીઓએ ડાંસ પણ કર્યો હતો.