કોરોના સામે લડવાં એક્ટિંગ છોડી ડોક્ટરી લાઈનમાં પાછો ફર્યો અક્ષય કુમારનો કો-સ્ટાર

મુંબઈ: કોરોના વાયરસને લીધે દેશમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ છે. દેશમાં તમામ લોકો પોતાની રીતે મદદ માટે આગળ આવી રહ્યા છે. એવામાં જાણીતા ટીવી સ્ટાર અને કુમકુમ ભાગ્ય સીરિયલ ઉપરાંત અક્ષય કુમારની ગબ્બર ઈઝ બેકમાં કામ કરી ચૂકેલાં ડૉક્ટર આશીષ ગોખલે પણ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. આશિષ લોકોની મદદ માટે 24/7 એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ડ્યૂટી કરી રહ્યા છે.

આશીષનું પહેલું પસંદગીનું પ્રોફેશન એક્ટિંગ છે, પણ 2015માં ડેબ્યુ પહેલાં તે મહારાષ્ટ્રના કોંકણમાં મેડિસીન પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આશિષે જણાવ્યા મુજબ, ‘લોકડાઉન પહેલાં, હું બપોરે શૂટિંગ કરતો અને રાત્રે હોસ્પિટલમાં જતો હતો. મેં છેલ્લે 14 માર્ચે એક ટીવી શૉ માટે શૂટ કર્યું હતું. હું સેટને મિસ કરી રહ્યો છું. રોલ, કેમેરા અને એક્શન જાદુઈ સમય હોય છે. અત્યારે હું ડૉક્ટર આશિષના રોલમાં કામ કરી રહ્યો છું. આ મારા માટે કંઈ નવું નથી. મેં સાડા પાંચ વર્ષ આ જ પ્રેક્ટિસ કરી છે.’

આશિષે એમ પણ કહ્યું કે, ‘કોરાના વાયરસને કારણે 24X7 હું ડોક્ટરના પ્રોફેશનમાં આવી ગયો છું. હું લોકોને બચાવવા માગુ છું. હું તેમને આ વાયરસની સારવાર કરવા માગું છું. ડોક્ટર્સ અસલી હીરો છે. આજે તે પ્રથમ રેખા પર છે. તે પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે.

અત્યારે ડોક્ટર જ ભગવાનનું રૂપ છે. મેં જ્યારે ડોક્ટર આશિષના રૂપમાં પોતાનો પરિચય આપ્યો ત્યારે લોકોએ મને ડોક્ટર વિશે સારી વાતો કહી નહોતી.’ આશિષે વધુમાં કહ્યું કે, ‘એ વાત સાચી છે કે, કેટલાં ડોક્ટરો રૂપિયા માટે દર્દીઓને બેવકૂફ બનાવે છે. આ એક થેન્કસ જોબ છે. થોડાં દિવસો પછી બધુ શાંત થઈ જશે અને ડોક્ટર્સ સાથે પહેલાં જેવો વ્યવહાર ફરી શરૂ થઈ જશે.’