લોકોમાં ખૌફ પેદા કરવા દાઉદના બાપનું નામ રાખ્યું, મર્સિડીઝમાં બેસીને કરતો ડ્રગ્સ સપ્લાય

મુંબઇના નોર્ટીક્સ કન્ટ્રોલ બ્યુરોએ અંધેરીના લોખંડવાલા વિસ્તારમાંથી એક ડ્રગના પેડલરની ધરપકડ કરી હતી. લોકોમાં ગભરાટ ફેલાવવા માટે તેણે તેનું નામ બદલીને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના પિતાનાં નામ પર રાખ્યું હતું. લોકો તેને ‘ઇબ્રાહિમ કાસકર’ બોલાવવા લાગ્યા હતા.

શનિવારે, NCBની ટીમે લોખંડવાલાના એક ફ્લેટમાં દરોડા પાડ્યા હતા અને ઇબ્રાહિમ મુઝાવર ઉર્ફે ઇબ્રાહિમ કાસકરની ધરપકડ કરી હતી. તેની પાસેથી 100 ગ્રામ એટલે કે 10 લાખ રૂપિયાની કિંમતનો મેફેડ્રોન પણ મળી આવ્યો હતો. મુઝાવર, દાઉદના નામનો ઉપયોગ કરીને અંડરવર્લ્ડમાં ભય ફેલાવવા માંગતો હતો.

મર્સિડીઝ કારથી ડ્રગ્સ સપ્લાય કરતો હતો
NCBએ તેની પાસેથી મર્સિડીઝ કાર પણ કબજે કરી હતી. આ કાર સાથે, તે હાઈ પ્રોફાઇલ ગ્રાહકોને ડ્રગ સપ્લાય કરતો હતો. મુઝાવરે એનસીબીને જણાવ્યું હતું કે તેની પાસેથી જે મેફેડ્રોન મળ્યો છે તે દક્ષિણ મુંબઇના ડોગરીમાં રહેતો આસિફ રાજકોટવાળા પાસેથી મળ્યો હતો.

એનસીબીના દરોડા ચાલુ રહ્યા હતા
એનસીબીએ પણ તાત્કાલિક કાર્યવાહીમાં રવિવારે આસિફની ધરપકડ કરી હતી. આસિફ પાસેથી થોડી માત્રામાં ચરસ પણ જપ્ત કરવામાં આવ્યુ હતુ. મુઝાવરની ધરપકડ બાદ એનસીબીએ ડોંગરી દક્ષિણ મુંબઈમાં વધુ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા.

પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો આરોપ
મુઝાવર અને આસિફ છેલ્લા એક વર્ષથી સાથે કામ કરી રહ્યા હતા. પોલીસ જવાનો પર હુમલો કરવા બદલ મુઝાવર સામે આઈપીસીની કલમ 353 અને 307 હેઠળ કેસ દાખલ કરાયો હતો. ધરપકડ બાદ તે જામીન પર બહાર હતો.