આ 5 લોકોનું સન્માન કરનાર ધરતી પર જ ભોગવે છે સ્વર્ગ સમાન સુખ

અમદાવાદઃ મહાભારત હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે. તેમાં ધર્મથી માંડી વ્યાવહારિક જીવન સુધી દરેક વિષયનું જ્ઞાન મળે છે. એટલે જ તેને પાંચમો વેદ પણ કહેવામાં આવે છે. મહાભારતમાં એવી કેટલીય વાતો બતાવવામાં આવી છે, જેનું પાલન કરી જીવનને સુખદ બનાવી શકાય છે. મહાભારતના અનુશાસન પર્વમાં પાંચ એવા લોકો વિશે બતાવવામાં આવ્યું છે જેનું સન્માન કરવાથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ વાત મહાભારતમાં આપેલા શ્લોકથી સારી રીતે સમજી શકાય છે-

शुश्रूषते यः पितरं न चासूयेत् कदाचन,
मातरं भ्रातरं वापि गुरुमाचार्यमेव च।
तस्य राजन् फलं विद्धि स्वर्लोके स्थानमर्चितम्,
न च पश्येत नरकं गुरुशुश्रूषयात्मवान्।।

અર્થઃ– જે મનુષ્ય પિતા, માતા, મોટા ભાઈ, ગુરૂ અને આચાર્યની સેવા કરે છે, ક્યારેય તેમના ગુણોને દોષની દૃષ્ટિએ નથી જોતો, તેને નિશ્ચિતપણે જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આવા પુરૂષને ક્યારેય પણ નરકના દર્શન નથી કરવા પડતા.

1. માતા-પિતા:
જે મનુષ્ય કાયમ પોતાના માતા-પિતાનું સન્માન કરે છે, તેમની આજ્ઞાનું પાલન કરે છે તે જીવનમાં ચોક્કસપણે જ સફળતા મેળવે છે જેમ કે ભગવાન રામ. ભગવાન રામ પોતાના પિતાના વચનની રક્ષા કરવા માટે 14 વર્ષ માટે વનવાસ ચાલ્યાં ગયા હતા. એવી જ રીતે મનુષ્યને પોતાના માતા-પિતાની દરેક ઈચ્છાનું સન્માન કરવું જોઈએ. તેનાથી નિશ્ચિત જ તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

2. મોટો ભાઈ:
મોટો ભાઈ પણ પિતા સમાન જ માનવામાં આવે છે. જે રીતે પાંડવોએ પોતાના મોટા ભાઈ યુધિષ્ઠિરની દરેક આજ્ઞાનું પાલન કર્યું હતું ક્યારેય તેની ઈચ્છા વિરૂદ્ધ નહોતા ગયા. એવી જ રીતે મનુષ્યે પણ પોતાના મોટા ભાઈને પિતા સમાન જ માન આપી તેમનું સન્માન કરવું જોઈએ.

3. ગુરૂ : જે વ્યક્તિ પાસે મનુષ્યને જીવનમાં ક્યારેય પણ કોઈ જ્ઞાનની વાત અથવા કળા શીખવા મળી જાય, તે એ મનુષ્ય માટે ગુરૂ કહેવાય છે. એકલવ્યના ગુરૂ દ્રોણાચાર્યને જોઈને જ તેણે ધનુષ વિદ્યા શીખી લીધી અને દ્રોણાચાર્યને ગુરૂની જેમ સન્માન આપ્યું. દ્રોણાચાર્યના ગુરૂ દક્ષિણામાં અંગૂઠો માંગવા પર પણ તેણે દોષ ન જોયો અને દ્રોણાચાર્યની માંગી દક્ષિણા તેમને આપી દીધી. એવી જ રીતે આપણે પણ જેની પાસે કંઈ પણ શીખ્યાં હોય અથવા કંઈ પણ શીખવા મળ્યું હોય તેને ગુરૂ માની સન્માન કરવું જોઈએ.

4. આચાર્ય : જે મનુષ્યને વિદ્યા આપે છે, તે આચાર્ય કહેવાય છે. જે મનુષ્ય કાયમ પોતાના આચાર્યની આજ્ઞાનું પાલન કરે છે, ક્યારેય પણ તેમની આપેલી વિદ્યા પર શંકાન નથી કરતો અને તેમની આપેલી વિદ્યાને અપનાવે છે તે મનુષઅય જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓને સરળતાથી પાર કરી લે છે. આચાર્યનું સન્માન કરનાર ધરતી પર જ સ્વર્ગ સમાન સુખ મેળવે છે. એટલે મનુષ્યે કાયમ પોતાના આચાર્યનું સન્માન કરવું જોઈએ.