ભગવાન રામને મદદ કરનાર ‘જામવંત’ લૉકડાઉનમાં અહીંયા ફસાઈ ગયા!

મુંબઈઃ કોરોના વાયરસના કહેરના કારણે સરકારે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જેના કારણે સામાન્ય વ્યક્તિથી લઇને બોલીવૂડ અને ટીવી સેલેબ્સ સુધી બધા જ પોતપોતાના ઘરમાં બંધ છે. આ દરમિયાન દુરદર્શન પર રામાનંદ સાગરની ‘રામાયણ’નું ફરીથી પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન ‘રામાયણ’માં જામવંતનું પાત્ર ભજવનાર રાજશેખર ઉપાધ્યાય પણ ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લાના ગામ હરિહરપુરમાં ફસાઇ ગયા છે.

રાજશેખરના જણાવ્યા પ્રમાણે માર્ચના પ્રથમ સપ્તાહથી કોરોના વાયરસના સમાચાર સામે આવવા લાગ્યા હતા. જેની અસર શૂટિંગ પર પણ થવા લાગી હતી. માર્ચમાં જ તેઓ થોડા સમય માટે પોતાના ગામ આવ્યા હતા. આ દરમિયાન 21 દિવસનું લોકડાઉન લાગુ થયું અને તેઓ ત્યાં ફસાઇ ગયા.


રાજશેખર મુંબઇના નાલાસોપારામાં રહે છે. તેઓ થોડા દિવસ માટે ગામ આવ્યા હતા પરંતુ લોકડાઉનના કારણે તેઓ પરત ફરી શક્યાં નહીં. લોકડાઉન પૂર્ણ થશે તો તુરંત તેઓ મુંબઇ આવી જશે.


રાજશેખર જ્યારે પ્રથમવખત મુંબઇ પહોંચ્યા તો ત્યાં તેઓએ પોતાની સિક્યોરિટી એજન્સી શરૂ કરી હતી. આ દરમિયાન તેમને એક ફિલ્મ ‘ઠાકુર શેર સિંહ’માં કામ કરવાની તક મળી. જોકે આ ફિલ્મ બાદમાં પોસ્ટપોન થઇ ગઇ.


રાજશેખર કોલેજના દિવસોમાં જ રંગમંચ સાથે જોડાયેલા હતા. જ્યારે તેઓ બનારસમાં અભ્યાસ કરતાં હતા તો રામનગરની જાણીતી રામલીલામાં ભાગ પણ લેતા હતા. રાજશેખર સ્કૂલના દિવસોથી જ નાટકોમાં કામ કરવા લાગ્યા હતા અને પ્રથમવખત તેમણે કોઇ નાટકમાં જાદુગરનો રોલ નિભાવ્યો હતો.


રાજશેખરના જણાવ્યા પ્રમાણે રામાનંદ સાગરજીની પ્રથમ સીરિયલ હતી ‘વિક્રમ ઔર વેતાલ’ એ દરમિયાન તેમણે એક ડ્રામા બનાવ્યો હતો. જે જોઇને રામાનંદ સાગરે તેમને બોલાવ્યો અને ‘વિક્રમ વેતાલ’માં સાઇન કર્યો હતો.


ત્યારબાદ ‘રામાયણ’ શરૂ થવાની હતી. જેમાં ‘વિક્રમ વેતાલ’ના અનેક કલાકારોનું સિલેક્શન થયું. તેમને પહેલા વિભીષણનો રોલ આપવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેમના માટે જામવંતનો રોલ ફાઇનલ થયો.


રાજશેખર ઉપાધ્યાય એટલે કે જામવંત ત્રણ ભાઇ અને ત્રણ બહેન છે, જેમાં મોટા લક્ષ્મીકાંત, બીજા રાજશેખર અને ત્રીજા કમલાકાંત ઉપાધ્યાય છે. પિતા જમીનદાર હતા અને આજે પણ ગામમાં ઘણી જમીન છે.


રાજશેખરે ‘રામાયણ’માં જામવંતની સાથે જ શ્રીધરનું પાત્ર પણ ભજવ્યું હતું. શ્રીધર એ જ છે, જેમણે મુનિ વશિષ્ઠને રાજ્યાભિષેક માટે આમંત્રણ આપ્યું હતું અને રામના રાજ્યાભિષેક સમયે તમામ ઔપચારિક્તાઓ પણ પૂર્ણ કરી હતી.