લોકડાઉનની સ્થિતિમાં દીકરી સાથે કઈંક આમ સમય પસાર કરે છે દયાભાભી, પુત્રી જીદ કરે છે અને……

‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભીનો રોલ કરનાર દિશા વાકાણી છેલ્લા ઘણાં સમયથી ટીવી સ્ક્રીન પર જોવા મળી નથી. જોકે, વારંવાર-શોમાં તેના નામની ચર્ચા ચોક્કસથી થાય છે. આ દરમિયાન કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિમાં તે શું કરી રહી છે એ વિશે દિશાએ કરી ચર્ચા. આ સાથે-સાથે દિશાએ એમ પણ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં તેઓ કેવી રીતે ઘરે સમય પસાર કરે છે. ઉલ્લેખનિય છે કે, દિશા ઘણા લાંબા સમયથી શોથી દૂર છે. તે ઘરે રહીને તેની દીકરીની સંભાળ રાખી રહી છે.

સ્પોટબોય સાથેની વાતચીતમાં દિશાએ જણાવ્યું હતું કે, હું પીએમ મોદીની સૂચનાઓનું પાલન કરી રહી છું અને ઘરની બહાર નીકળતી જ નથી. અમે ગરમ પાણી પી રહ્યાં છીએ અને યોગ્ય રીતે રાંધેલો ખોરાક જ ખાઈ રહ્યાં છીએ. સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવી રહ્યાં છીએ.

અત્યારે ઘરમાં કામવાળી બાઇ પણ નથી આવતી એટલે ઘરનાં બધાં કામ પરિવારનાં સભ્યો મળીને કરી રહ્યાં છીએ. વધુમાં દિશાએ જણાવ્યું કે, મને ખબર છે કે, લોકો ઘરે રહીને કંટાળી જવાની ફરિયાદ કરે છે, પરંતુ મને લાગે છે કે, આમ ન થવું જોઇએ.

વધુમાં દિશાએ જણાવ્યું કે, તાજેતરમાં જ નવરાત્રી પૂરી થઈ, તો તેમાં પણ પૂજા-અર્ચનામાં સારો એવો સમય પસાર થઈ શક્યો. આપણે મંત્ર-જાપ કરતા રહેવું જોઇએ, જેથી પોઝિટિવિટી જળવાઇ રહે અને તેનાથી આપણને સ્ટ્રોંગ એનર્જી મળશે.

પોતાની દીકરી વિશે વાત કરતાં દિશાએ જણાવ્યું કે, હજી તે બહું નાની છે અને બહાર જવાનું અને બહાર ખુલ્લામાં રમવાનું બહુ મિસ કરે છે. તે બહાર જવા જીદ કરે છે પરંતુ જવાબદાર પેરેન્ટ્સ હોવાના નાતે અમે તેનું માઇન્ડ ડાઇવર્ટ કરતા રહીએ છીએ.

દિશાએ જણાવ્યું કે, આપણે માતાજી પર વિશ્વાસ રાખવો જોઇએ. આવા દિવસો બતાવવા પાછળ પણ તેમનો કોઇ આશય હશે. પરંતુ મને વિશ્વાસ છે કે, આ સમય પણ પસાર થઈ જશે. સારું વિચારશું તો, આગળ સારું જ થશે.