માધવીભાભીનું બિલ્ડિંગ સીલ તો બાઘાના શાકભાજીવાળાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બાઘાનો રોલ પ્લે કરનાર તન્મય વેકરિયા જેની પાસેથી શાકભાજી લેતો હતો તેનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજી બાજુ આ સીરિયલમાં માધવીભાભીનો રોલ પ્લે કરનાર સોનાલિકા જોષીની બિલ્ડિંગમાં એક કેસ પોઝિટિવ આવતા બિલ્ડિંગ 14 દિવસ માટે સીલ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. મુંબઈમાં 1574 કેસ નોંધાયા છે.

સોનાલિકાનો ફ્લેટ 27 માર્ચથી સીલ
સોનાલિકા જોષી કાંદિવલી ઈસ્ટમાં આવેલી એક બિલ્ડિંગમાં રહે છે. આ બિલ્ડિંગમાં એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. 27 માર્ચથી તેમની બિલ્ડિંગને સીલ કરવામાં આવે છે. 14 દિવસ સુધી બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને ક્વૉરન્ટિન રહેવાનું કહેવામાં આવ્યું છે.

શું કહ્યું તન્મય વેકેરિયાએ?
તન્મય વેકેરિયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે હાલની ક્ષણે ઘણો જ ડરી ગયો છે. તે જેની પાસેથી શાકભાજી લેતો હતો, તેનો જ ટેસ્ટ પોઝિટિવઆવ્યો છે. તે તેના ડાયરેક્ટ સંપર્કમાં નહોતો પરંતુ એક જવાબદાર નાગરિક હોવાને નાતે તે આગામી 14 દિવસ સુધી સેલ્ફ ક્વૉરન્ટીનમાં રહેશે. તે હાલમાં દરેક બાબતોનું ધ્યાન રાખશે. જ્યારે તે છેલ્લીવાર શાકભાજી લેવા માટે બહાર ગયો હતો ત્યારે ઘરે આવીને તેણે સ્નાન કર્યું હતું અને તમામ શાકભાજી ધોયા હતાં પરંતુ તે પોતાના પરિવારને જોખમમાં મૂકવા માગતો નથી. નોંધનીય છે કે બાઘા કાંદિવલી વેસ્ટમાં આવેલા રાજ આર્કેટ ફ્લેટમાં રહે છે.

બિલ્ડિંગમાં ત્રણ પોઝિટિવ કેસ
બાઘાએ કહ્યું હતું કે તેમણે જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક કરી રાખ્યો છે. દૂધ તથા શાકભાજી તેમને રોજ મળી જાય છે. આ અંગે બાઘાએ કહ્યું હતું કે બિલ્ડિંગનું વોટ્સએપ ગ્રૂપ છે, જેમાં જે વસ્તુ જોઈતી હોય તે લખી દેવાની હોય છે. દરેક પરિવારે પાંચ મિનિટની અંદર તમામ વસ્તુઓ સિક્યોરિટી ગાર્ડ પાસેથી લઈ આવવાની હોય છે. તમામ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે. તેણે બેઝિક દવાઓનો સ્ટોક કરીને જ રાખ્યો છે.