અમદાવાદમાં જે ઘરમાંથી લગ્નનો વરઘોડો નિકળવાનો હતો એ જ ઘર પર ફરી વળ્યું બુલડોઝર

અમદાવાદ: એક બાજુ એક પરિવારમાં લગ્નની શરણાઈ વાગતી હતી જ્યારે બીજી બાજુ તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવી રહ્યું હતું પરંતુ એ પરિવારને ક્યાં ખબર હતી તંત્ર આજે તેના જ ઘર પર બુલડોઝર ફેરવી દેશે તો આવો જ એક કિસ્સો અમદાવાદના આંગણે બન્યો છે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં એક પરિવાર લગ્નની ખુશીમાં વ્યસ્ત હતો ત્યારે તે પરિવારના ઘર પર જ બુલડોઝર ફેરવી દીધું હતું જેના કારણે ઘર તુટી ગયું હતું. આ જ કારણોસર ઘરમાં ખુશી હતી ત્યાં મુશ્કેલી સર્જાઈ હતી અને પરિવાર ચિંતિત બની ગયો હતો કે હવે લગ્ન કેવી રીતે કરવા ત્યારે નજીકમાં આવેલા પાડોશીના ઘરમાં પરિવારે પોતાનો પ્રસંગ ઉજવવાનો વારો આવ્યો હતો.

મહત્વની વાત એ છે કે, થોડા દિવસો પહેલા જ પરિવારે પુત્રના લગ્નની કંકોત્રીઓ વહેંચી હતી ત્યારે આજે જે ઘરેથી વરઘોડો નીકળવાનો હતો એ જ ઘર પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું હતું જેના કારણે પરિવાર ઘર વગરનો થઈ ગયો હતો અને આજે તે જગ્યા માત્ર ને માત્ર મેદાન થઈ ગયું છે.

અમદાવાદમાં ખાનપુરના ખરીવાડીમાં વર્ષોથી રહેતા પરિવારો આજે અચાનક રસ્તા પર આવી ગયા છે. દબાણને કારણે તમામ પરિવાર બેઘર બન્યા છે. જે ઘરોમાં લોકોને રહેવાના સપનાં હતાં ત્યાં આજે ખુલ્લુ મેદાન બનવા જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં એક ફિલ્મને પણ ટક્કર મારે તેવી ઘટના બની હતી. એક પરિવાર થોડા સમય પહેલાં ખુશી ખુશી પોતાના પુત્રના લગ્નની તડામાર તૈયારી કરી રહ્યો હતો. પુત્રના લગ્નની કંકોત્રીઓ પણ વહેંચાઈ ગઈ હતી પરંતુ કંકોત્રીમાં જે ઘરનું સરનામું હતું એ ઘર જ આજે તે જગ્યાથી ગાયબ થઈ ગયું છે. તંત્રએ ઘર પર બુલડોઝર ફેરવી દેતાં પરિવારનો લગ્ન પ્રસંગ બગડ્યો હતો.

સામાન્ય પરિવારની જેમ આ પરિવારે પણ લગ્નની કંકોત્રી છપાવી હતી. કંકોત્રીમાં છપાયેલા સરનામા પ્રમાણે 28મી જાન્યુઆરીના દિવસે અહીંથી જ દીકરાના લગ્નનો વરઘોડો નીકળવાનો હતો પરંતુ હવે એ પરિવાર સાથે જોડાયેલા ઘરની એક ઈંટ પણ બચી નથી. હવે આ પરિવાર બીજા પરિવારના ઘરના સહારાથી લગ્નના દિવસે પુત્રનો વરઘોડો કાઢશે.

પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે, અમને કોઈ મદદ મળી નથી. અમે પહેલાં રિવરફ્રન્ટ પર રહ્યા પરંતુ ભાઈના લગ્નની કંકોત્રી વહેંચાઈ ગઈ હતી. લગ્નનું શુભ સ્થળ લખ્યું હતું ત્યાં હવે મારા ઘરની જગ્યાએ મેદાન થઈ ગયું છે. અમે હાલ લગ્ન કરવા માટે બીજાના ઘરે આવ્યા છીએ. અમે હાલ પ્રસંગ તો પૂરો કરી લઈશું પણ હજી અમારી લડાઈ ચાલુ છે અને ન્યાય માટે હજી લડતાં રહીશું.