મચ્છર બહુ હેરાન કરતાં હોય તો લઈ આવો આ મશીન ને બીમારીથી રહો દૂર

કોટ્ટાયમ, કેરળઃ સમગ્ર વિશ્વમાં મચ્છરોની 3500થી વધુ પ્રજાતિ છે અને તેમના કારણે મલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને યલો ફીવર જેવી બીમારીઓ થાય છે. મચ્છરોના કરડવાથી થતી બીમારીઓને લધી વિશ્વમાં દર વર્ષે 7 લાખ લોકોના મોત થાય છે. લોકો મચ્છરોને ભગાવવા વિવિધ ઉપાય કરે છે. જો મચ્છરોનો કેમિકલ વગર જ નાશ કરી શકાય તો. કેરળના 50 વર્ષીય મેથ્યૂઝે એક ખાસ શોધ કરી છે. તેણે ‘હૉકર’ નામની એક મશીન બનાવી છે, જે સાર્વજનિક સ્થળોએથી મચ્છરોનો નાશ કરે છે.

કેરળના કોટ્ટાયમમાં કાંજિરપલ્લી તાલુકા પાસે કપ્પદુમાં રહેતા મેથ્યૂઝે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. તેના વિસ્તારમાં રબરની ખેતી થતી હોવાથી મચ્છરો પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. મેથ્યૂઝ હંમેશા સાર્વજનિક સ્થળોએ મચ્છરોના નાશ કરવા મામલે કોઈક વિકલ્પ શોધવા માગતો હતો. મેથ્યૂઝ કેમિકલ વગર મચ્છરોને મારવામા આવે તેવું કંઈક શોધવા માંગતો હતો.

મેથ્યૂઝને એક દિવસ અમુક ઘટનાઓના આધાર પર સમજાયું કે, મચ્છરોને વધુ ગરમી સહન થતી નથી અને તેને કારણે તેઓ ઠંડકવાળી જગ્યાઓ શોધતા હોય છે અને અહીં જ પ્રજનન વધારે છે. મેથ્યૂઝે પછી એક પ્રયોગ કર્યો જે અંગે જણાવતા તેણે કહ્યું કે,‘મે બાયોગેસ ટેન્ક પર રહેલા પથ્થરો વચ્ચેની ખાલી જગ્યાએ એક પારદર્શક કાંચ મૂક્યો હતો. તેમાં મચ્છરને અંદર જવા એક નાનકડી જગ્યા રાખી. મચ્છર તે નાનકડી જગ્યાથી અંદર જતા હતા. સાથે તેઓ બાયો ટેન્કમાંથી નીકળતી ગેસની દુર્ગંધને કારણે ત્યાં પહોંચી રહ્યાં હોવાનું ધ્યાને આવ્યું. જેના આધાર પર આ મશીન બનાવી.’

વર્ષ 2000માં મેથ્યૂઝે પોતાના યંત્રનું પ્રોટોટાઈપ બનાવ્યું અને તેમાં સફળતા મળ્યા બાદ તેણે આગળ પ્રયોગ ચાલુ રાખ્યા. જોકે ફંડિંગ, ડિઝાઈન અને આ મશીનના મેન્યુફેક્ચરિંગ મામલે મેથ્યૂઝે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. ઘણા લોકો તેની ઠેકડી પણ ઉડાવતા હતા પરંતુ તેણે ઘણા વર્ષોની બાદ આ ‘હૉકર’ યંત્ર બનાવ્યું.

તેણે આ યંત્ર ઘણા પ્રયોગ બાદ તૈયાર કર્યો જેનો ઉપયોગ સેપ્ટિક ટેંક, બાયોગેસ ટેંક, સીવરેજ ટેંક પાસે કરી શકાય છે. તેમાં એક ટ્યૂબ લાગેલી છે જેને કોઈપણ ટેંક સાથે જોડી શકાય છે. મચ્છર યંત્રના નીચલા ભાગથી ઉપર તરફ પ્રકાશને કારણે આકર્ષાય છે. ઉપર આવતા જ તેઓ ચેમ્બરમાં ફસાય જાય છે અને સૂર્ય પ્રકાશને કારણે તેઓ મરવા લાગે છે. એકવાર આ યંત્રને ઈન્સ્ટોલ કર્યા બાદ તેને ચલાવવાનો બીજો કોઈ ખર્ચ આવતો નથી. કારણ કે તેમાં ગેસ કે કેમિકલનો ઉપયોગ કરાતો નથી. જ્યાં મચ્છર વધુ પ્રમાણમાં થાય છે ત્યાં જ આ મશીન મચ્છરોનો ખાતમો કરે છે. આ યંત્ર વૈજ્ઞાનિક ઢબે કામ કરે છે અને ઈકો ફ્રેન્ડલી છે.’

મેથ્યૂઝે પોતાના યંત્રને વધુ લોકો સુધી પહોંચાડવા માટે 2006માં કાઈન ટેકનોલોજીસ એન્ડ રિસર્ચ નામની પોતાની કંપની શરૂ કરી. તેણે હૉકર મશીનના 1 હજારથી વધુ યુનિટ વેચ્યા હોવાનો દાવો કર્યો. તેમણે સેવાધામ આશ્રમ બેંગલુરુ, યુકેન ઈન્ડિયા અને કોટ્ટાયમના એક ચર્ચમાં પણ પોતાનું હૉકર મશીન ઈન્સ્ટોલ કર્યું છે. હૉકર મશીન વાપરતા લોકો પણ મશીનથી સંતુષ્ટ છે.

મેથ્યૂઝે કહ્યું કે, 2009માં તેને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન અંગે જાણ થઈ અને તેણે એવોર્ડ માટે અરજી કરી હતી. ફાઉન્ડેશનની ટીમે તેમના યંત્રની તપાસ કરી હતી. જે પછી હૉકર માટે તેને 2009માં રાજકીય સ્તરના એવોર્ડથી સન્માનિત કરાયો હતો. મેથ્યૂઝને આ શોધ માટે પેટન્ટ પણ મળ્યું છે.

મેથ્યૂઝે કહ્યું કે,‘મને આઉટડોર યુનિટ અંગે ગ્રાહકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે. આ સાથે ઘણા લોકોએ ઈન્ડોર યુનિટની પણ માંગ કરી છે. હું ઈન્ડોર યુનિટ માટેના મૉડલ પર કામ કરી રહ્યો છું અને તે તૈયાર થઈ ગયો છે. આ માટે પેટન્ટ અરજી કરી છે. પેટન્ટ મળ્યા બાદ તેનું ઉત્પાદન શરૂ કરાશે. મે માખીઓને પકડવા માટે પણ એક યંત્ર બનાવ્યું છે. એવા યંત્ર બનાવવાનો હેતુ છે જે લોકોને મચ્છર-માખી સહિતને કારણે થતી બીમારીઓથી બચાવી શકે. અલગ વિચારધારા અને સતત મહેનતથી સફળતા મળતી જ હોય છે. તમને કોઈ અટકાવી શકતું નથી.’