આ કોન્સ્ટેબલે તમામ રજાઓ કેન્સલ કરી અને સીધી ડ્યુટી જોઈન કરી લીધી, જાણો કેમ

જયપુર: લોકડાઉનમાં સૌથી વધુ જવાબદારી પોલીસ પર છે. આ મુશ્કેલીના સમયે પોતાનાની અને પરિવારની ચિંતા છોડી તેઓ પોતાનું કર્તવ્ય નિભાવવી રહ્યા છે. અત્યારે કેટલાય પોલીસ જવાનોના કર્તવ્યનિષ્ઠાના દાખલાં સામે આવી રહ્યાં છે. એવો જ એક કર્તવ્યનિષ્ઠાનો દાખલો રાજસ્થાનના જયપુરમાં આવેલા સાંગાનેરથી સામે આવ્યો છે.

લોકડાઉન પહેલાં જયપુર સાંગાનેર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ટિંકૂ કુમાવત રજા પર હતાં. કેમ કે, 2 એપ્રિલે તેમના લગ્ન હતાં. તેમણે લગ્ન કંકોત્રી પણ સગા-સંબંધીઓને આપી દીધી હતી અને લગ્નહોલ પણ બૂક કરાવી દીધો હતો. એટલું જ નહીં કોન્સ્ટેબલે તેના હનીમૂન સુધીનું પ્લાનિંગ પણ કરી દીધું હતું પરંતુ દેશ માટે બધું જ સ્થગિત કરી દીધું હતું.

કોન્સ્ટેબલે કહ્યું હતું કે, જ્યારે દેશમાં કોરોના વાયરસનું સંકટ વધતું ગયું અને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે કોન્સ્ટેબલે પોતાના લગ્નની તારીખ આગળ વધારી અને ડ્યૂટી પર હાજર થઈ ગયો હતો. આ જોઈને તમામ અધિકારીને નવાઈ લાગી હતી.

અધિકારીઓએ કોન્સ્ટેબલને કહ્યું કે, ‘તમે લગ્ન કરીને આવો.’ તો કોન્સ્ટેબલે કહ્યું કે, ‘આ સમયે મારા માટે દેશ અને નાગરિકોની સુરક્ષા મહત્ત્વની છે. લગ્ન તો પછી પણ થશે.’