થર્ટી ફર્સ્ટની સમી સાંજે ગાડીએ બાઈકને ટક્કર મારતાં યુવક અને ફિયાન્સીનું મોત, થવાના હતા લગ્ન

હિંમતનગર: ગુરૂવારની સાંજે સાબરકાંઠાના હિંમતનગર-ઈડર રોડ પર આવેલા નેત્રામલી ગામ નજીક વન વિભાગના ડીસીએફ (ડિસ્ટ્રિક્ટ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, સામાજિક વનીકરણ અધિકારી)ની સરકારી ગાડીએ બાઈકને ટક્કર મારતાં ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેની ફિયાન્સીનું સારવાર થાય તે પહેલાં જ મોત નિપજ્યું હતું. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

હિંમતનગર-ઈડર રોડ પરના નેત્રામલી ગામ નજીક વન વિભાગના ડીસીએફની સરકારી ગાડીએ બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું જ્યારે ઈજાગ્રસ્ત થયેલ ફિયાન્સીનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મોત નિપજેલ બન્નેના આગામી લગ્ન સિઝનમાં લગ્ન થવાનાં હતાં પણ લગ્ન કરે તે પહેલાં જ બન્નેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને ચાલક અને તેની સાથેના અધિકારી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સરકારી વાહન અને વાહનમાં અધિકારીની હાજરી હોવાની ચર્ચા વચ્ચે ઇડર પોલીસે ગાડીનો નંબર લખી ગુનો નોંધ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભિલોડાના મુનાઈ ગામના સંજયભાઈ સુતરિયાનું અંદાજે ચાર મહિના પહેલા ઈડરના રૂદરડી ગામના મમતાબેન વણકર સાથે સગાઈ કરી હતી. તા. 31-12-20ના રોજ ફિયાન્સી મમતાનો જન્મ દિવસ હોઈ સવારે બાઈક લઈને મુનાઈથી નીકળી રૂદરડી ગામે પહોંચ્યો હતો અને ત્યાંથી મમતાબેનને લઈ બપોરે ફરવા માટે ઈડર આવ્યો હતો. જોકે સાંજે ફિયાન્સી મમતાને રૂદરડી ગામે પરત મૂકવા જતાં સમયે નેત્રામલી ગામ નજીક હોટલ સામે સાંજે ડીસીએફ લખેલ ટાટાસુમોના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા યુવક અને યુવતી રોડ પર પટકાયા હતા અને બાક ચાલક સંજયનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ફિયાન્સી મમતાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતી હતી જોકે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જાયા બાદ સરકારી કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સરકારી ગાડીમાં અધિકારી પણ સવાર હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે. અકસ્માત થયા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળાં વળ્યાં હતાં જ્યારે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

તપાસ અધિકારી ઈડર પીએસઆઇ સુરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે અકસ્માત સર્જનાર વાહન જ મળ્યું હતું. ચાલક કે અન્ય કોઈ હાજર ન હતું. આગામી લગ્ન સીઝનમાં લગ્નગ્રંથીથી જોડાનાર યુવક-યુવતીના અકાળે મોતને પગલે વણકર સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.