જિયોલોજિકલ સર્વ ઓફ ઈન્ડિયાએ કહ્યું, યુપીના સોનભદ્રમાં નથી 3000 ટન સોનું

લખનઉઃ 5400 કિલો એટલે છ ટન, આટલું વજન હોય છે આપણા એક એશિયન હાથીનું. હવે તમે વિચારતા હશો, વાત શાની થઈ રહી છે? તો યુપીના સોનભદ્ર જિલ્લામાં ત્રણ હજાર ટન સોનું મળ્યું છે. એટલે લગભગ 500 હાથીઓ જેટલું વજન. આટલા મોટા સોનાના ભંડારની નીલામી કરવામાં આવશે. નીલામી માટે કોલ બ્લૉક્સની વહેંચણી કરવામાં આવશે, જે રીતે માઇનિંગ કંપનીઓને કરવામાં આવે છે. નીલામીની પ્રક્રિયા માટે યુપી સરકારે સાત સભ્યોની એક ટીમ બનાવી દીધી છે.

કેવી રીતે ખબર પડી સોનાનીઃ 2005માં કરવામાં આવેલ જિયોલૉજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ આ રિસર્ચ કર્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, સોનભદ્રમાં સોનુ છે. ત્યારબાદ 2012માં આ વાતની પુષ્ટિ કરવામાં આવી કે, સોનભદ્રના પર્વતોમાં સોનુ છે. હવે 8 વર્ષ બાદ સરકાર જાગી છે અને સોનાના બ્લૉકની વહેંચણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સોનુ ક્યાં મળ્યું? સોનભદ્રના હરદી ગામ અને મહુલી ગામના સોન પર્વતમાં સોનાના ભંડાર મળ્યા છે. હરદી ગામમાં 646.15 કિલોગ્રામ સોનાનો ભંડાર મળ્યો છે. તો મહુલી ગામના સોન પર્વતમાં 2943.25 ટન સોનુ મળ્યું છે. સાત સભ્યોની ટીમ આખા વિસ્તારની જિઓ ટેગિંગ કરશે અને 22 ફેબ્રુઆરી, 2020 સુધીમાં તેમનો રિપોર્ટ પુરાતત્વ અને ખનિજ નિયામક, લખનઉને આપશે.

શું કહે છે અધિકારીઓ? ખનિજ અધિકારી કે કે રાયે જણાવ્યું હતું કે પુરાતત્વ અને ખનિજ વિભાગ અને જિયોલૉજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ આ કામમાં લાગેલી છે. બહુ જલદી પટ્ટા આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અત્યારે હેલિકોપ્ટરના માધ્યમથી હવાઇ સર્વે કરવામાં આવી રહ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે કે, કેટલી રાજસ્વ ભૂમિ છે અને કેટલી વન વિભાગની છે, જે માટે ખાણકામ માટે વન વિભાગ તરફથી મંજૂરીની પ્રક્રિયા શરૂ થઈ શકે.

નિષ્ણાતોના કહેવા મુજબ દેશના રિઝર્વ સોના કરતાં કરતાં આ પાંચ ગણું વધારે સોનું છે. જેનાથી દેશની હાલત સુધરી શકે છે. કેમ કે આ સોનાના કારણે ભારતે બહારથી સોનું આયાત કરવું પડશે નહીં. આયત અને નિકાસનું બેલેન્સમાં પડતી ખાઘ પુરાઈ શકે છે. અને દેશને તેનો આર્થિક ફાયદો થશે.

સોનભદ્રમાં ત્રણ હજાર ટન સોનુ મળ્યું હોવાની વાત એક રહસ્ય બની રહી છે. સોનભદ્રમાં સોનુ મળ્યું હોવાની વાત જિયોલોજિકલ સર્વ ઓફ ઈન્ડિયાએ નકારી કાઢી છે. એજન્સીએ કહ્યું હતું કે અહીંયા માત્ર 160 કિલો સોનુ મળે તેવી શક્યતા છે. એજન્સીની આ વાતથી એ તમામ વાતો ખોટી સાબિત થઈ રહી છે, જે છેલ્લાં એક અઠવાડિયાથી ચાલતી હતી. જોકે, અહીંયા સવાલ એ છે કે સોનભદ્રમાં સોનુ મળ્યું હોવાની વાત કેવી રીતે ફેલાઈ? માનવામાં આવે છે કે આ માહિતી ઉત્તર પ્રદેશના ખનિજ વિભાગ તથા સોનભદ્રના કલેક્ટરના કેટલાંક લેટર લીક થયા બાદ સામે આવી હતી.