14 એપ્રિલે લૉકડાઉન પૂર્ણ થશે ખરા? મોદી સરકાર ખાસ બનાવી રહી છે પ્લાનિંગ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણને ફેલાતું રોકવા માટે આખા દેશમાં 25 માર્ચથી 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન 14 એપ્રિલે પૂરું થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં એવો અંદાજો લગાવાઇ રહ્યો છે કે, મોદી સરકાર આ લોકડાઉનને લંબાવી શકે છે. પરંતુ સરકારે સ્પષ્ટતા કરી હતી કે, લોકડાઉનને લંબાવવાનો કોઇ પ્લાનિંગ નથી. એટલે હવે સવાલ એવા થઈ રહ્યા છે કે, લોકડાઉનને કેવી રીતે પૂર્ણ કરવામાં આવશે.


એવું માનવામાં આવે છે કે, કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર ક્રમબદ્ધ રીતે લોકડાઉન પૂર્ણ કરી શકે છે. એટલે કે, કોરોનાનું સંક્રમણ જરા પણ નથી, ત્યાં પ્રતિબંધ પહેલાં દૂર કરવામાં આવશે. પરંતુ સરકાર સામે સૌથી મોટો પડકાર એ છે કે, લોકડાઉન પૂર્ણ થતાં જ એક સાથે લાખોની સંખ્યામાં લોકો બહાર આવશે. તો તેમને કેવી રીતે નિયંત્રિત કરવા. અત્યારે સરકાર વિવિધ નીતિઓ બનાવી રહી છે.


તાજેતરમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન પીએમએ બધા જ રાજ્યો સાથે લોકડાઉન અંગે ચર્ચા કરી. સાથે-સાથે તેમણે રાજ્યો પાસેથી પોતપોતાનાં મંતવ્યો પણ માંગ્યાં છે કે, લોકડાઉનને કેવી રીતે પૂર્ણ કરવામાં આવે. રાજ્યોએ પોતાની હાલની પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ સોંપવાનો છે.


આજ તકના રિપોર્ટ અનુસાર, સરકાર રાજ્યોનો રિપોર્ટ અને ડીએમ, એસપી અને ફીડબેકના આધારે લોકડાઉનને દૂર કરવાની રણનીતિ તૈયાર કરશે. કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકડાઉનને એક ફેઝમાં ખોલવામાં આવશે. પરંતુ રાજ્યોના કોરોના સંક્રમિત વિસ્તારોમાં લોકડાઉન ચાલુ રહેશે. જ્યાં-જ્યાં લોકડાઉન ખોલવામાં આવશે, ત્યાં ધારા 144 લાગુ કરવામાં આવી શકે છે. જેના કારણે એક જગ્યાએ ચારથી વધારે લોકો ભેગા નહીં થઈ શકે.


લોકડાઉન ખોલ્યા બાદ બસ સર્વિસ, ટેક્સી અને રિક્ષા જેવી પ્રાઇવેટ વ્હિકલ સર્વિસ બંધ રહેશે. ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા બાદ જ લોકો પોતપોતાના રાજ્યમાં જઈ શકશે. આ માટે તેમને કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે.


15 અપ્રિલથી ટ્રેન સેવા શરૂ થશે કે નહીં, એ બાબત હજી નક્કી નથી. ઉલ્લેખનીય છે કે, રેલવે એ તેના કર્મચારીઓને 15 અપ્રિલ સુધીમાં પાછા ફરવાનું કહ્યું છે, કેટલાક કર્મચારીઓ તો કામ પર પાછા પણ ફરી ગયા છે. એટલે રેલવે કેટલીક ટ્રેનો શરૂ કરી શકે છે. પરંતુ બીજી તરફ પ્લેનની ટિકિટનું બુકિંગ 30 એપ્રિલ સુધી અટકાવી દેવામાં આવ્યું છે. આ જોતાં સ્પષ્ટ છે કે, ફ્લાઇટ્સ 30 એપ્રિલ એપ્રિલ સુધી બંધ રહેશે.


રાજ્ય સરકારો પ્રાઇવેટ અને સરકારી સંસ્થાઓને રોસ્ટર અનુસાર કામ કરવાના આદેશ કરી શકે છે. અથવા વધુ કેટલાક દિવસો માટે વર્ક ફ્રોમનું કહેવામાં આવી શકે છે. આ અઠવાડિયાના અંત સુધીમાં રાજ્ય સરકારો પોતાનો રિપોર્ટ સોંપશે, ત્યારબાદ જ સરકાર રણનીતિ સ્પષ્ટ કરશે.


ભારતમાં કોરોના સંક્રમણના 4900 કરતાં વધારે કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી 137 લોકોનાં મૃત્યુ નિપજી ચૂક્યાં છે. 4394 લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. તો 386 લોકો સાજા થઈ ગયા છે.