આપણાં શરીરની અંદર જ છે કોરોનાવાઈરસ સામે લડવાની શક્તિ, આવી શકે છે વેક્સિન

અમદાવાદઃ જીવલેણ અને ખૂબજ ખતરનાક કોરોના વાયરસ અત્યાર સુધીમાં દુનિયામાં 7 હજાર કરતાં પણ વધારે લોકોના જીવ લઈ ચૂક્યો છે. સેંકડો દેશો અત્યારે વેક્સીન શોધવા પ્રયત્નો કરી રહ્યા છે અને આ માટે જાત-જાતના ઘણા પ્રયોગ ચાલી રહ્યા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં એક રિસર્ચ સામે આવ્યું છે કે, એક 47 વર્ષિય મહિલા જે કોરોનાવયરસથી થોડી સંક્રમિત હતી, તેના શરીરમાં એન્ટીબોડીઝ પેદા થયું તો તે કોરોનાના વાયરસ સામે લડ્યું અને લગભગ દસ દિવસમાં કોઇપણ પ્રકારની દવા વગર મહિલા ઠીક થઈ ગઈ.

તેનાથી રિસર્ચ કરતા ડોક્ટર્સને જાણવા મળ્યું છે કે, જો કોઇ દરદીના શરીરમાં રહેલ રોગપ્રતિકારક શક્તિ એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે તો, કોરોના વાયરસની સામાન્ય અસર સામે લડી શકાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ રિસર્ચથી કોરોના વાયસર સામે લડવાની વેક્સિન (રસી)ની શોધમાં ઘણી મદદ મળી શકે છે.

પીટર ડોહર્ટી ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈન્ફેક્શન એન્ડ ઈમ્યૂનિટીના રિસર્ચર્સ દ્વારા મંગળવારે (17 માર્ચ) નેચર મેડિસિન જર્નલમાં છાપવામાં આવેલ એક રિસર્ચ લેખ ચાર અલગ-અલગ પોઇન્ટ પર પરિક્ષણ કરેલ લોહીના નમૂનાઓ આધારિત હતો, જે એ દર્શાવે છે કે, કોઇપણ દરદીની રોગપ્રતિકારક શક્તિ વાયરસ સામે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે.

આ રિસર્ચ દરમિયાન જે દરદીને પસંદ કરવામાં આવ્યો હતો, તેને સંક્રમણની ઘણી ઓછી અસર થઈ હતી. તેના શરીરમાંથી પાણીની અછત દૂર કરવા માટે તેને સમયસર હેલ્ધી પીણાં આપવામાં આવ્યાં પરંતુ સંક્રમણના ઈલાજ માટે કોઇ એન્ટીબાયોટિક્સ, સ્ટેરોઇડ કે એન્ટીવાયરલ કોઇ જ દવા ના આપવામાં આવી. વાયરસ મુખ્ય રૂપે તેનાં ફેફસાંને જ પ્રભાવિત કરે છે. જે મહિલા પર આ રિસર્ચ કરવામાં આવ્યું તેણે ચીનમાં વુહાનની યાત્રા કરી હતી, જે કોરોના વાયરસનું એપી સેન્ટર હતું.

રિસર્ચ બાબતે પ્રોફેસર કેથરીન કેડજિયર્સે કહ્યું, “અમે જોયું કે, COVID-19 એક નવા વાયરસના કારણે થાય છે. સ્વસ્થ વ્યક્તિમાં, વિવિધ સેલ પ્રકારોમાં એક મજબૂત રોગપ્રતિકારક ક્લિનિકલ રિકવરી સાથે સંકળાયેલ હતી, જેવી આપણે ઈન્ફ્લૂએન્જામાં જોઇએ છીએ.”

તેમણે કહ્યું કે, “COVID-19 (કોરોના વાયરસ) ના કેસમાં આ એક અવિશ્વસનીય પગલું છે કે, આખરે આ શરીર પર કેવી રીતે અસર કરે છે અને શાના પર તેની સૌથી પહેલાં અસર થાય છે. લોકો અમારી રીતોનો ઉપયોગ COVID-19 જૂથોમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓને સમજવા માટે કરી શકે છે અને એ પણ સમજી શકે છે કે, તેનાથી બહુ વધારે પીડિત લોકોમાં કઈ વસ્તુની અછતના કારણે આમ થયું છે.”

આ રિસર્ચમાં ચાર પ્રકારની પ્રતિકારક કોશિકાઓ જોવા મળી. જ્યારે રોગી બીમાર હતી ત્યારે તે બે પ્રકારનાં એન્ટીબોડીના ઉત્પાદનને પ્રેરિત કરતી હતી. સંક્રમિત થયા બાદ તેને 10 દિવસ સુધી ઘરથી અલગ રાખવામાં આવી અને 13માં દિવસે તેનાં બધાં જ લક્ષણો સંપૂર્ણપણે ગાયબ થઈ ગયાં. એન્ટીબોડીઝ તેના લોહીમાં 7 મા દિવસથી 20 મા દિવસ સુધી રહ્યાં.

ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાથી સંક્રમિત દરદીઓની સંખ્યા વધીને 180થી વધુ થઈ ગઈ છે. જેમાં 25 વિદેશી છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે 45થી વધુ પોઝિટિવ કેસ આવ્યા છે. આ દરમિયાન કોલકાતામાં પહેલો સંક્રમિત દરદી મળ્યો છે. આ વ્યક્તિ લંડનથી આવી હતી. ગુજરાતમાં બે પોઝિટિવ કેસ આવ્યા છે. કોરોના સામે લડવા માટે સરકાર ત્રણ સ્તરે કામ કરી રહી છે. પહેલા સ્તરમાં કોરોનાથી પીડિત લોકોને ઓળખવાં. બીજા સ્તરમાં સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલ લોકોને પણ આઇસોલેશન વોર્ડમાં રાખવાં અને ત્રીજા સ્તરમાં એક જગ્યાએ વધારે લોકોને ભેગાં જ થવા દેવાં.