ખેડૂત દીકરીએ સરકારી નોકરીઓને એક પછી એક ઠુકરાવી, બસ આ એક ઈચ્છા કરવી છે પૂરી

આજે દરેક યુવાનની પ્રથમ ઈચ્છા હોય છે કે, તેમને સરકારી નોકરી મળે, પરંતુ ભારતમાં સરકારી નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. જો તમારી પાસે તેને મેળવવાની યોગ્યતા અને મેહનત કરવાની ક્ષમતા છે તો તમે ઘણી પરીક્ષાઓ પાસ કરી શકો છો. કંઈક આવી જ કમાલ કરી બતાવ્યુ છે એક ખેડૂતની દિકરીએ. જેને માત્ર 26 વર્ષની ઉંમરમાં એક બે વખત નહી પણ 9 વખત સરકારી નોકરી લાગી ગઈ છે. એટલુ જ નહી તે પાંચ વર્ષમાં 7 વખત તો આ નોકરીઓ છોડી ચૂકી છે. હવે તે 2021માં આઠમી વખત નોકરી છોડી દેશે. તો ચાલો જાણીએ આ હોનહાર અને ટેલન્ટેડ પુત્રી વિશે, જે યુવાનો માટે એક ઉદાહરણ બની છે.

જુસ્સો અને લક્ષ્ય પ્રત્યે સમર્પણનું પ્રતીક આ પુત્રીનું નામ પ્રમિલા નેહરા છે. જેના માતા-પિતા રામકુમાર નેહરા અને મનકોરી દેવી છે. પ્રેમિલા મૂળ સીકર જિલ્લાના એક નાના ગામ સિહોંરની વતની છે. પિતા ખેડૂત અને માતા ગૃહિણી છે. ભાઈ મહેશ નેહરા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ચુરૂમાં ફરજ બજાવે છે.

જણાવી દઈએ કે, પ્રેમિલા અત્યાર સુધી 9 વખત સરકારી નોકરી માટેની પરીક્ષા આપી છે. લેક્ચરર ભરતી પરીક્ષાથી લઈને માંડીને પટવારી, ગ્રામ સેવક, મહિલા સુપરવાઈઝર, પોલીસ કોન્સ્ટેબલ, એલડીસીની પરીક્ષા પાસ કરી ચૂકી છે, પરંતુ તેણીએ બધી નોકરી છોડી દીધી. હાલમાં તે નાગોર જીલ્લાના એક સરકારી સ્કૂલમાં એક સિનિયર શિક્ષક તરીકે બાળકોને ભણાવે છે.

સૌથી ખાસ વાત એ છે કે, પ્રેમિલા નેહરાએ આ બધી પરીક્ષા લગ્ન બાદ સખત મહેનતથી કરી પાસ કરી છે. પ્રેમિલા નેહરાના લગ્ન સીકર જિલ્લાના ગામ બોગલાસીના રાજેન્દ્ર પ્રસાદ રણવાની સાથે થયા છે. રાજેન્દ્ર હાલમાં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ છે.

પ્રેમિલાએ રાજ્ય લોક સેવા આયોગ તરફથી આયોજિત લેક્ચરર ભરતીમાં પ્રથમ વર્ગની શિક્ષકની પરીક્ષા પાસ કરતા સમગ્ર રાજ્યમાં નવમો ક્રમાંમ મેળવ્યો છે. પોતાની સફળતાની કહાની જણાવતા પ્રમિલાએ મીડિયાને કહ્યું કે, તેને આ તબક્કે પહોંચવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. સાસરામાં રહેવાની સાથે અભ્યાસ કરવો ખૂબ જ કપરો હતો. જોકે, મારા સાસુ-સસરા અને મારા પતિએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. તો બીજી વાત મેં આ પરીક્ષા દરમિયાન ક્યારેય સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો ન હતો કે, ઘરે ટીવી જોયું નહીં. એટલું જ નહી હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી વખતે કીપેડવાળા મોબાઇલનો ઉપયોગ કરતી હતી.

પોતાની સફળતાના દમ પર તેમણે જણાવ્યું કે, બધી સ્પર્ધાત્મક પરીક્ષા અભ્યાસક્રમ લગભગ એક સરખો જ છે. ફક્ત તમારા પર નિર્ભર છે કે, તમે તેને કેટલું સમજો છો. કોઈ પણ વિષયને રટવાની જરુરિયાત હોતી નથી. હું પોતાના વિષયને સારી રીતે સમજું છું, બાદમાં તેને બે થી ત્રણ વખત રિપીટ કરી વાંચુ છું. ક્યારેય પણ ગોખણપટ્ટી કરતી નથી. કારણ કે ગોખેલું લોકો જલ્દી ભૂલી જાય છે. ટોપિક સમજી લેવાનો ફાયદો એ હોય છે કે, પરીક્ષામાં ભલે ગમે તેવા પ્રશ્ન પૂછ્યા હોય, કોઈપણ સમસ્યા આવતી નથી.

પ્રેમિલાએ જણાવ્યું કે, મારી પ્રથમ સરકારી નોકરી વર્ષ 2015 માં ત્રીજા ધોરણના શિક્ષક તરીકે હતી, જે મેં થોડા સમય માટે જોઈન કરી હતી. બાદમાં પટવારી, ગ્રામ સેવક, એલડીસી અને મહિલા સુપરવાઈઝરની પરીક્ષા પાસ કરી હતી. કોઈ નોકરી મેં બે મહિના તો કોઈને ત્રણ મહિના કરી. બાદમાં ગયા વર્ષે વર્ષ 2020 માં લોક સેવા આયોગ તરફથી આયોજિત લેક્ચરર ભરતીમાં પ્રથમ વર્ગની શિક્ષકની પરીક્ષા પાસ કરી હતી. ત્યારથી હું આ નોકરી કરી રહી છું, પરંતુ હું તેને જલ્દી જ છોડવાની છું. કારણ કે, મારું લક્ષ્ય આરએએસ અને યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું છે.

પ્રેમિલાને મળી ચૂકી છે આ સરકારી નોકરી
એસએસસી જીડી, રાજસ્થાન પોલીસ, મહિલા સુપરવાઈઝર, એલડીસી, ગ્રામ સેવક, પટવારી, , થર્ડ ગ્રેડ શિક્ષક, વરિષ્ઠ શિક્ષકા, પ્રથમ ગ્રેડ શિક્ષક (હાલમાં તે આ નોકરી કરી રહી છે) તે સિવાય પ્રેમિલા રાજ્યની સીટેટ અને બે વખત આરએએસ પ્રી પણ પાસ કરી ચૂકી છે.