117 વર્ષ બાદ શુક્ર અને શનિનો દુલર્ભ યોગ બની રહ્યો છે શિવરાત્રિ પર, ભૂલથી પણ ના કરો આ કામો

અમદાવાદઃ ભગવાન શિવને સમર્પિત મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે 21 ફેબ્રુઆરીએ આવે છે. આ દિવસે ભક્તો પૂરા દિવસનો ઉપવાસ કરે છે અને શિવાલયમાં શિવલિંગ પર જળાભિષેક કરે છે. દર વર્ષે માહ મહિનામાં કૃષ્ણ પક્ષમાં તેરસે આવે છે.

આ વર્ષની મહાશિવરાત્રિ એકદમ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ વર્ષે મહાશિવરાત્રિના પર્વ પર 117 વર્ષ બાદ શુક્ર તથા શનિનો દુર્લભ યોગ બની રહ્યો છે. આ દિવસે એવા કેટલાક કામ ના કરવા જોઈએ, જેનાથી તમારી મુસીબતોમાં વધારો થાય.

જ્યોતિષાચાર્યોના મતે, શિવરાત્રિના પર્વ પર ભગવાન શિવની ઉપાસના કરતા સમયે શંખનો ઉપયોગ કરવો નહીં. પૌરાણિક કથા પ્રમાણે, ભગવાન શિવે શંખચૂડ નામના અસૂરનો વધ કર્યો હતો. શંખને તે અસૂરનું પ્રતિક માનવામાં આવે છે, જે વિષ્ણુ ભક્ત હતો. આથી જ શિવજીને બદલે વિષ્ણુની પૂજામાં શંખ ફૂંકવામાં આવે છે.

નોંધનીય છે કે ભગવાન શિવની પૂજા કરતા સમયે કેસર, માલતી, ચંપા, ચમેલી, જૂઈ વગેરે ફૂલો ચઢાવવા જોઈએ નહીં. જોકે, શિવરાત્રિના દિવસે શિવલિંગ પર ભાંગ-ધતુરાનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. કેટલાંક લોકો ભગવાન શિવની આરાધના કરતા સમયે કરતાલ વગાડે છે. જોકે, આમ કરવું અશુભ છે. આ સાથે જ શિવની પૂજામાં ક્યારેય તુલસીના પત્તાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જલંધર નામના અસૂરની પત્ની વૃંદાના અંશથી તુલસીનો જન્મ થયો હતો, જેને ભગવાન વિષ્ણુએ પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો ભગવાન શિવને તલ અથવા તલમાંથી બનાવેલા કોઈ પણ વસ્તુ ચઢાવવી જોઈએ નહીં. એવી માન્યતા છે કે તલ ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થયા છે અને તેથી જ ભગવાન શિવને અર્પિત કરવા જોઈએ નહીં.

આ ઉપરાંત ભગવાન શિવની પૂજા કરતા સમયે એ વાતનું ધ્યાન રાખવું કે ભગાન શિવની પૂજામાં આખા ચોખાનો ઉપયોગ કરવો જોઈએ. અશુદ્ધ હોવાને કારણે તૂટેલા ચોખાથી ભગવાન શિવ પ્રસન્ન થતા નથી. ભગવાન શિવને વૈરાગી કહેવામાં આવે છે અને તેથી જ તેમને કંકુ ચઢાવવું જોઈએ નહીં. કારણ કે કંકુ સૌભાગ્યનું પ્રતિક છે.

આટલું જ નહીં મહાશિવરાત્રિના દિવસે મોડે સુધી સૂતા રહેવું યોગ્ય નથી. આથી જ આ દિવસે વહેલું ઉઠી જવું જોઈએ. આ સાથે જ સવારે ઉઠીને સ્નાન કરી લેવું જોઈએ અને આખો દિવસ ઊંઘવું નહીં. શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કાળા કપડાં પહેરવા નહીં. માંસ-મદિરાનું સેવન ના કરવું.