મહિને સવા લાખ રૂપિયાનો પગાર છોડીને આ ગુજરાતી યુવતી લેશે દીક્ષા

2014માં પાયલ શાહ નામની યુવતીએ મુબંઈના નરીમાન પોઈન્ટ પર આવેલી એક જાણીતી કંપનીમાં નોકરી શરૂ કરી હતી ત્યારે તે યુવતીનો ગોલ એકદમ સ્પષ્ટ હતો. પરંતુ અચાનક તેના જીનવમાં એક નવો વળાંક આવ્યો કે ક્વોલિફાઈડ સીએ અને ઓલ ઈન્ડિયા રેન્કિંગની ટોપરે પોતાનો માર્ગ બદલવાનું નક્કી કર્યું અને તે નવી દિશામાં એન્ટ્રી કરવા માટે તેણે રોજનું પાંચ કિલોમીટર જેવું ચાલવાનું શરૂ કરી દીધું.

24 ફેબ્રુઆરીએ 31 વર્ષની પાયલ હાલના જીવનની સઘળી મોહમાયા છોડીને જૈન સાધ્વી તરીકે દીક્ષા ગ્રહણ કરશે અને એકદમ સાદા શ્વેત વસ્ત્રો ધારણ કરશે. સુરતમાં યોજાનારા દીક્ષા સમારોહમાં જેમનામાંથી પ્રેરણા મળી તે ગુરુજી પૂજ્ય સાધ્વીજી પ્રશમલોચનાશ્રીજી હાજર રહેશે. પાયલ શાહ આચાર્ય ભગવંત પ્રવચન પ્રભાવક પરમ પૂજ્ય ક્રિત્યાસૂરીશ્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ દીક્ષા ગ્રહણ કરશે.

વાલ્કેશ્વરની એક કંપનીમાં કામ કરતી પાયલ વર્ષે 15 લાખ રૂપિયા એટલે માસિક પગાર 1.25 લાખ રૂપિયાની કમાણી કરતી હતી. પાયલનું મૂળ વતન ગુજરાતમાં છે અને તેના પિતા મુંબઈમાં કિચનવેર સ્ટોર ચલાવે છે.

દીક્ષા ગ્રહણ કરે તે પહેલા પાયલે જણાવ્યું હતું કે, મારી સફર 7 વર્ષ પહેલા શરૂ થઈ હતી. મુંબઈમાં અમારા ઘરની નજીક જૈન સાધ્વીઓ રહેતી હતી ત્યારે હું ઘણીવાર તેમને મળવા પણ જતી હતી. રજા કે મોબાઈલ ફોન વગર પણ તેઓ ખુશ અને સંતુષ્ટ હતા. આ જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્યાર બાદ પાયલે એ સાધ્વીઓ સાથે રહેવાનું શરૂ કર્યું. હું તેમની સાથે ઓછામાં ઓછું એક વર્ષ રહી હતી અને ત્યારથી જ મારી આધ્યાત્મિક સફર શરૂ થઈ હતી. આ એક વર્ષના સમયમાં મને બહુ જ મજા આવી.

વધુમાં પાયલે જણાવ્યું હતું કે, તમે અહીં જ રહી શકો છો, લોકોની વચ્ચે. મને અહેસાસ થયો કે જીવન શરીર કરતાં વધુ આત્માની સફર છે. આ જાણ્યા પછી હું આ માર્ગેથી પાછી વળી શકું તેમ નહોતી. મારે તેને સ્વીકારવું જ છે. પાયલ તેના પરિવારમાંથી દીક્ષા લેનારી પ્રથમ વ્યક્તિ છે. તેની નાની બહેન રીનાએ MBA-CFA કર્યું છે અને હાલ એક ઈક્વિટી રિસર્ચ ફર્મ સાથે કામ કરી રહી છે.

પાયલની કંપનીએ તેના કામની કદર કરીને તેને પગારમાં વધારો આપ્યો એ વખતે તેનો સાધ્વી બનવાનો નિર્ણય દ્રઢ બન્યો હતો. જ્યારે તમારું મન અંદરથી ખુશ હોય ત્યારે તમે સંપૂર્ણ અને સ્વંતત્ર અનુભવો છો. આજે દરેક વસ્તુમાં સ્પર્ધા થઈ રહી છે જ્યારે સાધ્વીઓનું જીવન અલગ છે.