કોરોનાવાઈરસના સંકટથી બેખબર છે દુનિયાનો આ દેશ, લોકો જાહેરમાં કરી રહ્યાં છે પાર્ટી

સ્વીડનઃ દુનિયાના 199 દેશ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. અત્યારસુધીમાં અંદાજે 53 હજાર લોકોનાં મૃત્યુ થઇ ગયા છે. યુરોપ પણ આ મહામારીથી સંપૂર્ણ રીતે પ્રભાવિત છે. યુરોપના ઇટલી, સ્પેન, બ્રિટન, જર્મની, ફ્રાંસ દરેક મોટા મોટા દેશમાં ભયાનક સ્થિતિ છે. કોરોનાને રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ યુરોપમાં એક એવો પણ દેશ છે, જે હજુ પણ આ મહામારીથી અજાણ છે. અહીં હજુ પણ સ્કૂલ, મોલ, બજાર બધુ જ ખુલ્લુ છે. લોકો સામાન્ય જીવન જીવી રહ્યાં છે. આ દેશનું નામ છે સ્વીડન.

એવું નથી કે સ્વીડનમાં કોરોના પ્રવેશ્યો નથી, અહીં કોરોના સંક્રમણના 4400થી વધુ કેસ સામે આવ્યા છે. તો 180 લકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. તેમ છતા અહીં લોકો અને સરકાર ખતરાને નજરઅંદાજ કરી રહ્યાં છે.

ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે યુરોપના મોટા દેશમાં સ્વીડન જ માત્ર એવો દેશ છે, જ્યાં અત્યાર સુધી સ્કૂલ, રેસ્ટોરન્ટ અને ઓફિસો ખુલ્લા છે. સરકાર દ્વારા અત્યાર સુધી કોઇ મોટા પગલા લેવામાં આવ્યા નથી, જેના કારણે લોકોના જીવને ખતરો બની ગયો છે.

જોકે, સરકારે હાલમાં જ કહ્યું કે લોકો જેટલું બની શકે એટલું ઘરેથી કામ કરવાનું શરૂ કરે અને જે લોકોની ઉંમર 70 વર્ષથી ઉપર છે તેઓ ઘરમાં જ રહે. જોકે, અત્યારસુધી અહીં લોકડાઉન જેવા કોઇ પગલા લેવામાં આવ્યા નથી. સ્વીડનમાં અત્યારસુધીમાં કોરોનાથી 180 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે.

સ્વીડનની રાજધાની સ્ટોકહોલ્મમાં હજુ પણ લોકો જાહેરમાં રેસ્ટોરન્ટમાં પાર્ટી કરતાં નજર આવી રહ્યાં છે. જ્યારે સ્વીડનના તમામ પડોશી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

સ્વીડનની સોશિયલ ડેમોક્રેટિક નેતૃત્વવાળા ગઠબંધનની સરકારે માત્ર અત્યારસુધી યુનિવર્સિટીઓ અને કોલેજોને બંધ કરી દીધી છે અને રેસ્ટોરન્ટ અને બારમાં આદેશ આપવામાં આવ્યા છે કે લોકોના ટેબલ પર જઇને સર્વ કરવામાં આવે.

આ સિવાય અહીં પબ્લિક ગેધરિંગ પર પ્રતિબંધ છે. 50થી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ છે. આ યુરોપના અન્ય દેશની તુલનામાં ખુબ નાનો દેશ છે. બ્રિટનમાં 2થી વધુ લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ છે.

તો સ્વીડનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હજુ પણ સ્કૂલ જઇ રહ્યાં છે. અહીં રેસ્ટોરન્ટ અને બારમાં હજુ પણ ભીડ જોવા મળી રહી છે. લોકો પાર્ટી કરતાં નજર આવી રહ્યાં છે.

જોકે, સ્વીડનમાં અન્ય દેશોની તુલનામાં કોરોના વાયરસ મોડો પહોંચ્યો. અહીં કોરોનાથી પ્રથમ મોત 11 માર્ચે થયું. એ સમયે બ્રિટનમાં કોરોના વાયરસથી 8 અને ઇટલીમાં 800 લોકોના મૃત્યુ થઇ ગયા હતા.

સ્વીડનના સેન્ટર ફોન ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના જણાવ્યા પ્રમાણે અહીં કોરોનાથી દર એક મિલિયન લોકો પર 14નું મૃત્યું થયું છે. તો ઇટલીમાં તો આ 192 અને સ્પેનમાં 157 છે.

જોકે, જાણકારોનું માનીએ તો આ આંકડા ભ્રમિત કરનારા છે. અહીં મૃત્યુનો આંક એટલા માટે ઓછો છે કારણ કે કોરોનાનું સંક્રમણ સ્વીડનમાં મોડું થયું હતું.

તેમ છતા સ્વીડનમાં સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યું છે. અહીં અત્યારસુધીમાં 4400થી વધુ લોકો સંક્રમિત થઇ ગયા છે. આ આંકડો બ્રિટનથી વધુ છે.

તો સ્વીડનના પાડોસી દેશ ડેનમાર્ક, ફિનલેન્ડ અને નોર્વેની વાત કરીએ તો અહીં અત્યારસુધીમાં ખુબ ઓછા લોકોનું કોરોનાથી મૃત્યુ થયું છે. તેમ છતા આ દેશની સરકારે મોટા મોટા પ્રતિબંધો લગાવી લોકડાઉન કરી રાખ્યું છે.

સ્વીડનમાં માત્ર સરકાર જ નહીં, લોકો પણ ખુબ જ બેદરકાર નજર આવી રહ્યાં છે. અહીં શનિવારે પાર્ક, બાર અને રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. જ્યારે સ્વીડનના પડોશી દેશમાં સતત મૃત્યુના આંકડા વધી રહ્યાં છે.

સ્વીડન ઇટલી, સ્પેનમાંથી બોધપાઠ લેવાના બદલે નજરઅંદાજ કરી રહ્યું છે. જો આ ભૂલ ચાલુ રાખી તો સ્વીડનમાં પણ મૃત્યુના આંકડા વધી શકે છે.