કોરોનાવાઈરસને લઈ અહીંની સરકારનું વિચિત્ર ફરમાન, મહિલાઓને ઘરમાં મેકઅપમાં રહેવાનું કહ્યું

નવી દિલ્હીઃ દુનિયામાં કોરોનાનો કહેર એવો છે કે અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો તેની ઝપેટમાં આવ્યા છે. સાથે જ તેનાથી મરનારાઓની સંખ્યામાં પણ 53 હજારને પાર પહોંચી ગઇ છે. કોરોનાનો હજુ સુધી કોઇ ઇલાજ મળ્યો નથી. તેનાથી બચવા માટે અનેક દેશોએ લોકડાઉન કરી દીધું છે, જેમાં ઘરની બહાર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેથી સંક્રમણને ફેલાવાથી રોકી શકાય. ભારતમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉનને લઇને કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું કે વગર કોઇ તૈયારીએ લોકડાઉન કરી દેવામાં આવ્યું. આવા જ કેટલાક દેશ છે જ્યાં અનોખા નિયમ સાથે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ અમેરિકાના પનામા દેશમાં કોરોનાથી એક હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. એવામાં આ દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. પરંતુ અહીં જેન્ડરના આધારે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એટલે કે અહીં જેન્ડરના આધારે નક્કી કરેલા દિવસે જ લોકો બહાર નીકળી શકે છે. જેથી જરૂરી સામાન ખરીદી શકે. સોમવાર, બુધવાર અને શુક્રવારે દેશની મહિલાઓ જરૂરી સામાન ખરીદવા માટે બહાર નીકળી શકે છે. જ્યારે મંગળવાર, ગુરુવાર અને શનિવારે દેશના પુરુષ બે કલાક માટે બહાર જઇ શકે છે. રવિવારે કોઇએ પણ બહાર નીકળવાની મનાઇ છે.

કોલંબિયાના લોકો તેમના ઓળખપત્રના આધારે બહાર જવાની મંજુરી આપવામાં આવી છે, જેમ કે જે લોકોના આઇડીના છેલ્લા ડિજિટ 0, 4 અથવા 7 છે, તેઓ સોમવારે શોપિંગ માટે નીકળી શકે છે. તો 1, 5, 8 નંબરવાળા લોકો મંગળવારે બહાર નીકળશે. હવે બોલીવિયા પણ આવો જ નિયમ અપનાવવાનો વિચાર કરી રહ્યું છે.

સર્બિયામાં લોકડાઉન દરમિયાન રાતે બે કલાક માટે લોકોને ડોગ સાથે બહાર જવાની છૂટ આપવામાં આવી હતી. આવું પશુ ચિકિત્સકો સાથે ચર્ચા કર્યા બાદ કરવામાં આવ્યું હતું. ડોક્ટર્સે જણાવ્યું હતું કે જાનવરોને બહાર ફરવા લઇ જવા જરૂરી છે. જો આવું ન કરવામાં આવ્યું તો તેનાથી ઘરમાં રહેતા લોકોને ઇન્ફેક્શન થઇ શકે છે. જોકે સંક્રમણ વધ્યા બાદ આ નિયમ પણ હટાવી લેવામાં આવ્યો.

બેલારુસમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તે દેશમાં લોકડાઉન નહી લાગુ કરે. કારણ કે તેમણે કોરનાને જોયો નથી. સાથે જ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઠંડા વાતાવરણને કારણે અહીં વાયરસ નહીં આવે. આ દેશમાં વાયરસના કારણે અત્યારસુધીમાં એક પણ મેચ કેન્સલ કરવામાં આવી નથી.

સ્વીડન દેશમાં હવેથી 50થી વધુ લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે અહીં કોરોનાના કેસ સામે આવવા લાગ્યા. અત્યારસુધીમાં અહીં સાડા ચાર હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ છે. તેમ છતા અહીં બાળકોની સ્કૂલ ચાલુ છે.

મલેશિયામાં આંશિક લોકડાઉન લાગુ છે. થોડા સમય પહેલા દેશની મહિલા મંત્રાલયે ઓનલાઇન એક કાર્ટુન સાઇટ પર શેર કર્યું હતું. જેમાં મહિલાઓને ઘરમાં મેકઅપ કરી અને પોતાના પતિ સાથે ઓછા ઝઘડા કરવાનું કહેવામાં આવ્યું હતું. કાર્ટુનમાં કહેવામાં આવ્યું હતું કે જો તેઓ તૈયાર થઇને રહેશે તો પુરુષો ઘરની બહાર નહીં નીકળે. જોકે, બાદમાં આ કાર્ટુનને હટાવી લેવામાં આવ્યું અને સરકારે આ બાબતે માફી પણ માગી હતી.

તુર્કમેનિસ્તાનમાં અત્યારસુધીમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ આ દેશની સરહદ ઇરાન નજીક છે તેથી તુર્કમેનિસ્તાનમાં કોઇપણ મીડિયામાં કોરોના શબ્દ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ જો કોઇ માસ્ક લગાવી સડક પર ઉતર્યો તો તેને સીધો જેલમાં ધકેલી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઇરાનમાં કોરોના વાયરસે ભયંકર તબાહી મચાવી છે.

ઓસ્ટ્રિયામાં લોકોને પબ્લિક પ્લેસમાં માસ્ક લગાવવું ફરજિયાત થઇ ગયું છે. આવું કરનારો આ દેશ ચોથો છે. આ પહેલા ચેક ગણરાજ્ય, સ્લોવાકિયા અને હર્જેગોવિનામાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું.