આ વરરાજાની સાળીઓએ રાખી એવી શરત કે બધા કરી રહ્યાં છે વખાણ, જાણો કેમ

ચંદીગઢઃ કોરોના સામેના યુદ્ધમાં દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. એવામાં અનેક લોકોએ પોતાના લગ્ન પાછળ ધકેલી દીધી છે. તેમ છતા પણ કોઇ લગ્ન કરવા ઇચ્છે તો મંજુરી લેવી પડશે અને સમારંભમાં 4 કે 5 લોકો જ સામેલ થઇ શકશે. આવા જ એક લગ્ન હિમાચલમાં થયા. જોકે, આ લગ્ન હાલ ભારે ચર્ચાનું કારણ બની ગયા છે.

મંગળવારે (31 માર્ચ) ઉના જિલ્લાના નંગલમાં એક જાન આવી હતી, જેમાં માત્ર પાંચ લોકો વગર બેંડ બાજા સાથે આવ્યા હતા. આ દરમિયાન વરરાજા લગ્નમંડપમાં પહોંચે એ પહેલા જ સાળીઓએ દરવાજા પર રોકી લીધા હતાં. કહેવા લાગી કે તમને આવી રીતે ઘરમાં એન્ટ્રી નહીં મળે.

પહેલા વરરાજાના સેનેટાઇઝરથી હાથ સાફ કરવામાં આવ્યા અને ત્યારબાદ એન્ટ્રી આપવામાં આવી. જાનૈયાઓ પણ આ વાતથી ખુશ થયા અને કહેવા લાગ્યા કે તમારા જેવી સમજદાર સાળી બધાને મળવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે કશિશ બાવા અને નાવિકાએ માત્ર નજીકના લોકો સામે જ લગ્નના સાત ફેરા લીધા. આ લગ્નમાં વરરાજાના માતા-પિતા અને ભાઇ-ભાભી સામેલ થયા હતા. તો દુલ્હન તરફથી પણ 5થી 6 લોકો જ લગ્નમાં હાજર હતા.