આ વ્યક્તિ જ્યૂસની જેમ રોજ પીએ છે પોતાનો જ પેશાબ, આમ કરવાના ફાયદા પણ ગણાવ્યા!

લંડનઃ દુનિયામાં એવા અનેક લોકો છે, જે અજીબોગરીબ ચીજવસ્તુ ખાવા-પીવાના શોખીન છે. આ લોકોની ફૂડ હેબિટ્સને જોઇ લોકો પણ હેરાન થઇ જાય છે. અત્યાર સુધી તમે ડિસ્કવરી ચેનલ પર જોયું હશે કે કેવી રીતે ‘મેન વર્સેસ વાઇલ્ડ’ના હોસ્ટ બિયર ગ્રિલ્સ એક એપિસોડમાં પોતાનો પેશાબ પી જાય છે, પરંતુ હવે આવું જ કંઇક કરવાનો દાવો ઇંગ્લેન્ડમાં રહેતા એક શખ્સે કર્યો છે. પેશાબ પીધા બાદ શખ્સે દાવો કર્યો કે આવું કરવાથી તેની સ્કિનમાં નિખાર આવ્યો છે.

દુનિયામાં અનેક પ્રકારના લોકો રહે છે, જેમાંથી કેટલાક તો અજીબોગરીબ શોખને કારણે પ્રખ્યાત છે, આવો જ એક શખ્સ ઇંગ્લેન્ડમાં રહે છે અને તેનું નામ હેરી છે.

32 વર્ષીય હેરી ઇંગ્લેન્ડના હેમ્પશાયરનો રહેવાસી છે, તે પ્રથમવાર ત્યારે લાઇમલાઇટમાં આવ્યો જ્યારે તેણે પોતે સોશિયલ મીડિયામાં કહ્યું કે તે દરરોજ અંદાજે 200 મિલીલીટર વાસી પેશાબ પીએ છે.

તે પહેલા પેશાબને બોટલમાં જમા કરે છે અને ત્યારબાદ તેને એક સપ્તાહથી એક મહિના સુધીમાં પીએ છે.

હેરીએ દાવો કર્યો છે કે આમ કરવાને કારણે તેને અનેક ફાયદા થયા, જેમાં પહેલાં તે ડિપ્રેશનમાં રહેતો હતો, પરંતુ હવે તેમાં ખૂબ જ ઘટાડો થયો. હવે તે ખુશ છે.

હેરીએ જણાવ્યું હતું કે વાસી પેશાબ પીવાને કારણે તેની સ્કિન પણ ખૂબ જ નીખરી ગઇ અને તે હવે પહેલા કરતાં વધુ યુવાન દેખાવા લાગ્યો છે.

હેરીએ વધુમાં કહ્યું હતું કે વાસી પેશાબમાં એન્ટી એજિંગ એજેન્ટ્સ હોય છે, જે તમારી સ્કિન પર ઉંમરના પ્રભાવને રોકી શકે છે. સાથે જ તેના સેવનથી માણસ વધુ ખુશ અને સ્વસ્થ રહે છે.

પહેલા હેરી ખૂબ જ ડિપ્રેશનમાં રહેતો હતો. તેને જ્યારે લાગ્યું કે હવે કાંઇક કરવું પડશે ત્યારે તેણે અનોખો નુસખો અપનાવવાનો નિર્ણય લીધો.

સૌ પ્રથમ હેરીએ પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેના હાથમાં માર્થા ક્રિસ્ટી નામના લેખકનું પુસ્તક ‘યોર ઓન પર્ફેક્ટ મેડિસિન’ લાગ્યું. આ પુસ્તકમાં યુરિન થેરેપી વિશે લખવામાં આવ્યું છે.

પુસ્તક વાંચ્યા બાદ તેણે પેશાબ પીવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેણે પોતાના શરીરમાં અનેક બદલાવો અનુભવ્યા.

શરૂઆતમાં હેરીને આ ટેસ્ટ જરાય પસંદ ના આવ્યો, પરંતુ હવે તેને પેશાબની ફ્લેવર ખૂબ જ પસંદ છે.

પેશાબ પીવાથી બોડીને શું ફાયદો થાય છે, તે વાત પર મેડિકલ ટીમ્સમાં અનેક વિવાદો ચાલી રહ્યાં છે, અત્યાર સુધી એવી એક પણ વાત સામે આવી નથી કે પેશાબ પીવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય.