Corona: લક્ષણો ન દેખાય તો પણ તમે હોઈ શકો છો કોરોના સંક્રમિત, આ દર્દીઓ છે ખતરારૂપ?

ચીનમાંથી ફેલાયેલ કોરોના વાયરસના સંક્રમણે આખી દુનિયાને બહુ ઝડપથી ભરડામાં લઈ લીધી છે. રોજે રોજ મૄત્યુઆંક બહુ ઝડપથી વધી રહ્યો છે. કોરોનાથી સંક્રમિત દર્દીના સંપર્કમાં આવવાથી બહું ઝડપથી આ વાયરસ ફેલાઇ રહ્યો છે. કોરોનાના એવા દર્દીઓની સંખ્યા પણ બહુ વધારે છે, જેઓ સંક્રમિત હોવા છતાં તેમનામાં કોરોનાનાં લક્ષણ દેખાતાં નથી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટમાં એવા દર્દીઓની સંખ્યા ત્રીસ ટકા જણાવવામાં આવી છે. તો ચીનમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન (WHO) દ્વારા કરવામાં આવેલ હેલ્થ સ્ટડીમાં પણ આવા એકથી ત્રણ ટકા દર્દીઓ મળ્યા છે, જેઓ સંક્રમિત હોવા છતાં, તેમનામાં કોરોનાનાં લક્ષણ જોવા મળ્યાં નથી. આ દર્દીઓને અસિમ્પ્ટોમેટિક કહેવામાં આવે છે. હવે પડકાર એ છે કે, કોરોનાનાં લક્ષણવાળાં દર્દીઓથી તો લોકો બચી શકશે અને સાચવશે પણ ખરા, પરંતુ જેમનામાં લક્ષણ જ ન દેખાય, તેમનાથી કેવી રીતે બચવું.

ગત દિવસોમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક સ્ટડી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના સંક્રમણના જેટલા પણ કેસ સામે આવ્યા છે, તેમાં 100માંથી ત્રણ લોકોમાં કોઇ લક્ષણ જોવા મળતાં નથી. તો સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર આ આંકડો ત્રીસ ટકા છે. કોરોના સંક્રમિત લોકોમાં સામાન્ય રીતે બે-ત્રણ દિવસ સુધી તાવ, શરીર તૂટવું, કોરી ખાંસી જેવાં લક્ષણ જોવા મળે છે, તો દસ દિવસમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગે છે અને ન્યૂમોનિયાનાં લક્ષણો દેખાવા લાગે છે. આમ લોકોમાં લક્ષણ દેખાવામાં બે થી ત્રણ અઠવાડિયાનાં સમય લાગી જાય છે.

સેન્ટર ફોર ડિજીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસીપી), અમેરિકાના જણાવ્યા અનુસાર, અહીં અસિમ્પ્ટોમેટિક દર્દીઓની સંખ્યા 20 ટકા છે. હેલ્થ જર્નલ નેચર અને અન્ય રિપોર્ટોના જણાવ્યા અનુસાર જર્મની, ઈરાન, સ્પેન અને ઈટલીમાં ક્રમશ: 18, 20, 27 અને 30 ટકા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય જાણકારોના જણાવ્યા અનુસાર, ભારતમાં પણ આવા ઘણા કેસ જોવા મળ્યા છે, જોકે તેનો કોઇ આંકડો બહાર પાડવામાં નથી આવ્યો.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટનો જે રિપોર્ટ આવ્યો છે, તેના અનુસાર, હુબેઇ પ્રાંતમાં કોરોનાના 90 હજાર કરતાં વધારે કેસ આવ્યા હતા. જેમાંથી ફેબ્રુઆરીના અંત સુધીમાં લગભગ હજાર લોકોમાં કોરોનાનાં લક્ષણો નહોંતાં. આમાંથી લગભગ વીસ હજાર લોકોનો કોરોનાનો રિપોર્ટ પછીથી પોઝિટિવ આવ્યો હતો. આ જ કારણે કોરોનાના સંદિગ્ધને 14 દિવસના કોરંટિન પીરિયડમાં રાખવામાં આવે છે.

પાંચ કરોડની વસ્તીવાળા સાઉથ કોરિયામાં ચાર લાખ કરતાં વધારે લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જે લોકોમાં લક્ષણ નથી દેખાતાં, તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ બાદ વીસ ટકા દર્દીઓ એવાં મળ્યાં, જેમનામાં કોઇ લક્ષણ નહોંતાં, છતાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો. અમેરિકા, બ્રિટન અને ઈટલી જેવા દેશોની સરખામણીમાં સાઉથ કોરિયામાં સંક્રમિતોની સંખ્યા બહું ઓછી છે.

જાણકારો જણાવે છે કે, જેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય, તેવા યુવાનોનું શરીર જ્યાં સુધી લડે છે, ત્યાં સુધી તેમનામાં લક્ષણ નથી દેખાતાં. આવા અસિમ્પ્ટોમેટિક લોકોથી કોરોનાનું સંક્રમણ ફેલાવાની બીક સૌથી વધુ રહે છે. કારણકે તેમનામાં લક્ષણ નથી દેખાતાં, જેના કારણે તેઓ પરિવાર, મિત્રો અને બીજા લોકોને મળતા રહે છે. એટલા માટે મહત્વનું એ જ છે કે, સંક્રમણને ફેલાતું રોકવા માટે સાફ-સફાઇથી લઈને હાઇજીન સુધી અને સામાન ખરીદવા સુધીની બધી જ બાબતોમાં ધ્યાન રાખવામાં આવે.