દીકરાને પેટે બાંધીને આ મહિલા ચલાવે છે રિક્ષા, આ રીતે લડે છે જીવનની લડાઈ

રાયપુરઃ મહાપ્રાણ કવિવર સૂર્યકાંત ત્રિપાઠીની એક કવિતા છે, ‘વહ તોડતી પથ્થર, દેખા મૈંને ઉસે ઈલાહાબાદ કે પથ પર, વહ તોડતી પથ્થર.’ આ કવિતાનો ભાવાર્થ ચરિતાર્થ કરતી મહિલા હાલમાં છત્તીસગઢના અંબિકાપુરમાં જોવા મળે છે. તારા પ્રજાપતિ નામની આ મહિલાની હિંમત સામે પુરુષો પણ હારી ગયા છે. તે પોતાના એક વર્ષના દીકરાને પેટ આગળ બાંધીને રિક્ષા ચલાવે છે.

ખાસ વાત એ છે કે આ શહેરના એક પણ વ્યક્તિને તારા પ્રજાપતિ અંગે સવાલ કરવામાં આવે તો તે એક જ જવાબ આપશે કે તે ઘણી જ જુસ્સાવાળી મહિલા છે. તે આખા શહેરમાં દીકરાને પેટે બાંધીને રિક્ષા ચલાવે છે.

આ કામ બિલકુલ સરળ નથી, પરંતુ તે કરે છે. તે પોતાના કામ દરમિયાન દીકરાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. આથી જ પાણીની બોટલ તથા ભોજન પણ સાથે રાખે છે. કહેવા છે કે જહાં ચાહ હૈ, વહાં રાહ હૈ અને વ્યક્તિ જો ઈચ્છે છે તો દરેક કામ કરી શકે છે.

અભાવગ્રસ્ત જીવનને આગળ વધારવા માટે તારા ઓટો રિક્ષા ડ્રાઇવર બની ગઈ. તારાએ 12 ધોરણ સુધી કોમર્સનો અભ્યાસ કર્યો છે. 10 વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા અને પરિવારની હાલત ઠીક નહોતી. તેના પતિએ ઓટો ચલાવવાનું શીખ્યું હતું. પરિવારની સ્થિતિ સુધરી શકે તે માટે તારાએ પણ રિક્ષા ચલાવવાનું નક્કી કર્યું.

તારાએ કહ્યું હતું કે તે ગરીબ પરિવારમાંથી આવે છે અને દીકરાની દેખરેખ રાખનારું કોઈ નથી. ઘર ચલાવવા માટે રિક્ષા ચલાવવી જરૂરી છે. પરિવારની સ્થિતિ સારી નથી અને બાળકનો અભ્યાસ થઈ શકે તે માટે તેણે ઓટો ચલાવવાનું નક્કી કર્યું છે. તે પતિની સાથે પરિવારની જવાબદારી ઊઠાવી રહી છે. નાની-નાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે તે કોઈ પણ સંઘર્ષ કરવામાં પાછળ નથી.