કોરોનાવાઈરસ સામે અનેક મોટા દેશ ઘૂંટણીએ પડ્યાં, અમેરિકામાં મૃતદેહોના થયાં ઢગલા

વોશિંગ્ટનઃ દુનિયાના 200થી વધુ દેશ પર કોરોનાએ ભયંકર તબાહી મચાવી છે. 10 લાખથી વધુ લોકો સંક્રમિત છે. તો 53 હજાર લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. તમામ પ્રયાસો બાદ હવે દુનિયાના શક્તિશાળીથી શક્તિશાળી દેશ કોરોના સામે બેબસ દેખાઇ રહ્યાં છે. સ્થિતિ એવી થઇ ગઇ છે કે અમેરિકાના ન્યૂયોર્કમાં શબગૃહમાં મૃતદેહોના ઢગલા થઇ ગયા છે. અમેરિકામાં લોકોના અંતિમ સંસ્કાર માટે 1-2 સપ્તાહની રાહ જોવી પડી રહી છે. તો સ્પેનમાં તો લાઇબ્રેરી, કોન્ફરન્સ સેન્ટરોને આઇસીયુ વોર્ડ અને આઇસોલેશન વોર્ડમાં બદલવામાં આવી રહ્યાં છે. તો બ્રાઝિલમાં લોકોને દફનાવવા માટે જેસીબી મશીનનો સહારો લેવામાં આવી રહ્યો છે.

અમેરિકામાં સંક્રમણ અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 968 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યારસુધીમાં 6 હજાર વધુ લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. અમેરિકામાં સૌથી વધુ મૃત્યુ ન્યૂયોર્કમાં થયા છે. અહીં અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા પ્રમાણે ન્યૂયોર્કમાં મૃતદેહ ગૃહમાં લાશના ઢગલા થઇ ગયા છે. હોસ્પિટલોમાં મૃતદેહો રાખવા માટે રેફ્રીઝરેટેડ ટ્રકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અમેરિકા બાદ સૌથી વધુ સંક્રમિત કેસ ઇટલીમાં છે. અહીં અત્યાર સુધીમાં 1.15 લાખ લોકો સંક્રમિત છે. જ્યારે 13915 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. આ આંકડો દુનિયામાં કોઇપણ દેશમાં મરનારા લોકોની સંખ્યામાં સૌથી વધુ છે.

સ્પેનમાં પણ મૃતકોની સંખ્યા ઝડપથી વધી રહ્યો છે. અહીં અત્યાર સુધીમાં 10 હજાર 348 લોકોનાં તો 1.12 લાખ સંક્રમણના કેસ આમે આવ્યા છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 961 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. સ્પેનની રાજધાની મેડ્રિડમાં હોસ્પિટલોમાં જગ્યા નથી. અહીં લાઇબ્રેરી કોન્ફરન્સ સેન્ટરોને આઇસીયુ વોર્ડ અને આઇસોલેશન વોર્ડમાં બદલી નાખવામાં આવ્યા છે.

ફ્રાંસમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. અહીં અત્યાર સુધીમાં 5300થી વધુ લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. ફ્રાંસમાં સંક્રમણના 59105 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 1355 લોકોનાં મૃત્યુ થઇ ગયા છે. આ તસવીર ફ્રાંસમાં આઇસોલેશનમાં રહેતા પડોસીને ખાવાનો સામાન આપતી એક મહિલા છે.

તો ઇરાનમાં પણ મહામારીથી હાલત કફોડી બની છે. અહીં અત્યારસુધીમાં 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તો અત્યારસુધીમાં 3160 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે.

બ્રિટનમાં કોરોનાની અસર માઠી છે. અહીં અત્યારસુધીમાં 2921 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. તો સંક્રમણના 33 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

નેધરલેન્ડમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. અહીં અત્યારસુધીમાં 1300થી વધુ લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. નેધરલેન્ડમાં સંક્રમણના 14 હજાર 697 કેસ સામે આવી ચૂક્યા છે.

જર્મનીમાં પણ કોરોના મહામારીથી મૃતકોની સંખ્યા 1 હજારને પાર થઇ ગઇ છે. અહીં અત્યારસુધીમાં 84 હજારથી વધુ સંક્રમણના કેસ સામે આવ્યા છે. જ્યારે 1107 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે.

બ્રાઝિલમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. અહીં અત્યારસુધીમાં 8 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. તો 300થી વધુ લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. બ્રાઝિલમાં જેસીબી મશીનથી મૃતદેહોને દફનાવવા માટે અનેક કબર બનાવવામાં આવી રહી છે.

સાઉથ આફ્રિકામાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકો લોકડાઉનનું યોગ્ય રીતે પાલન કરે તે માટે અહીં સેના તહેનાત કરવામાં આવી છે.

ન્યૂયોર્કમાં ઓપન હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેથી લોકોને ઝડપથી સારવાર મળી શકે. પરંતુ આ બધા પ્રયાસો છતાં અહીં મૃત્યુના આંકડા સતત વધી રહ્યાં છે.