કુદરતનો પણ ડર ના રાખનાર પામર મનુષ્ય કોરોનાવાઈરસ સામે લાચાર, 40 હજારથી વધુના મોત

લંડનઃ દુનિયાભરમાં કોરોનાવાઈરસના કારણે 8 લાખ 58 હજારથી વધુ લોકો સંક્રમિત છે. અત્યાર સુધીમાં 43 હજાર 428 લોકોના મોત થઇ ચૂક્યા છે. તો 1 લાખ 78 હજાર 99 વ્યક્તિ સ્વસ્થ પણ થઇ ગયા છે. તો અમેરિકામાં એક દિવસમાં 770 લોકોનાં મૃત્યુ થયા છે. અમેરિકામાં અત્યારસુધીમાં 3889 લોકોનાં મોત થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (31 માર્ચ) કહ્યું કે અમેરિકાના લોકો માટે આવનારું સપ્તાહ ખુબ જ દર્દનાક રહેવાનું છે. ત્યારબાદ સ્થિતિ સારી થઇ જશે.

કોરોના પર સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે કોરોના વાયરસ દુનિયા માટે બીજા વિશ્વ યુદ્ધ પછીનો સૌથી મોટો પડકાર છે. મહામારીને રોકવા માટે દુનિયાભરના દેશોએ વધુ મજબૂત અને પ્રભાવી પગલા ઉઠાવવાની જરૂર છે. તેના કારણે સામાજિક અને આર્થિક તબાહી થઇ રહી છે. યુએનના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવખત સૌથી મોટા વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યાં છીએ.

અમેરિકામાં કોરોનાવાઈરસનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. અહીં અત્યારસુધીમાં 188,530 લોકો સંક્રમિત થઇ ગયા છે. જ્યારે મોતનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ડેઇલી બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું, હું ઇચ્છું છું કે અમેરિકા આવનારા મુશ્કેલ દિવસો માટે તૈયાર રહે. આ દેશ માટે પરીક્ષાનો સમય છે. પહેલા આપણે ક્યારેય આવા સંકટનો સામનો કર્યો નથી. સંક્રમિતોની સંખ્યા ઘટાડવા માટે તેના વિરુદ્ધ સંગઠિત થવાની જરૂર છે. આ જીવન અને મૃત્યુનો મામલો છે.

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ઇટલીમાં મૃત્યુનો આંક 12 હજારની પાર પહોંચી ગયો છે. ઇટલીમાં 105,792 લોકો સંક્રમિત છે. જ્યારે અત્યારસુધી 12,428 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. ઇટલીમાં મૃત્યુનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. જોકે, અત્યારસુધી 15,729 લોકો સાજા થઇ ગયા છે. ઇટલીમાં એક દિવસમાં 837 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે અને ચાર હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે.

સ્પેનમાં મંગળવારે 748 લોકોના મૃત્યુ થયા છે. અહીં 30 તારીખે 913 લોકોનાં મૃત્યુ થયા હતા. દેશમાં અત્યાર સુધી 8464 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. જ્યારે સંક્રમણનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અહીં Worldometers.info વેબસાઇટ પ્રમાણે 95 હજાર 923 લોકો સંક્રમિત છે. અહીં લોકડાઉનનું ત્રીજું સપ્તાહ ચાલી રહ્યું છે. નેશનલ હેલ્થ ઇમરજન્સીના ચીફ ફર્નાડો સિમોન પણ કોરોના પોઝિટિવ છે.

તો ચીનમાં મંગળવારે 31 તારીખે સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી. અહીં માત્ર પાંચ લોકોનાં મૃત્યુ થયા છે. ચીનમાં સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. કોરોનાવાઈરસનું કેન્દ્ર રહેલું વુહાનમાં પણ આંશિક રૂપથી લોકડાઉન છે. જોકે, ટ્રેન ને ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી ગઇ છે. 8 એપ્રિલે લોકડાઉન સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવશે.

કોરોનાવાઈરસે દુનિયાના 195થી વધુ દેશમાં આતંક મચાવ્યો છે. વાઈરસના પ્રકોપથી ફ્રાંસ પણ હંગામી ધોરણે લડાઇ લડી રહ્યું છે. અહીં અત્યારસુધીમાં 3523 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. જ્યારે 52.128 લોકો સંક્રમિત થયા છે.