ભારતમાં કોરોનાવાઈરસનો કહેર વધ્યો, વધી રહ્યાં છે એક પછી એક રાજ્યોમાં દર્દીઓ

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસની અસર વધતી જઇ રહી છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1600ની પાર પહોંચી ગઇ છે. સાથે જ મૃતકોની સંખ્યા પણ 50 થઇ ગઇ છે. જોકે, અત્યારસુધી આ બીમારીથી 150 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલુ છે. તો મરજકમાં જન્મેલા નવા ખતરા બાદ મધ્યપ્રદેશના ગ્વાલિયર અને ભીંડ જિલ્લામાં 48 કલાક માટે ટોટલ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સાથે જ મહારાષ્ટ્ર સરકારે પ્રદેશમાં વધી રહેલા દર્દીની સંખ્યાને જોતા હોટેલ, જીમ, સ્કૂલ અને કોલેજને ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવાનો નિર્ણય લીધો છે.

આજે બુધવારે (પહેલી એપ્રિલ) લોકડાઉનનો આઠમો દિવસ છે. તેમ છતા સંક્રમણની અસર રોકવાનું નામ નથી લઇ રહી. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સંક્રમણનો કહેર ઝડપથી વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં 31 તારીખે 18 નવા દર્દી નોંધાયા છે તો મધ્યપ્રદેશમાં 20 નવા દર્દી સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં બુધવારે 1 એપ્રિલે 18 નવા કેસ સામે આવ્યા છે, જેમાં અહીં સંક્રમિત દર્દીની સંખ્યા 320 થઇ ગઇ છે. પ્રદેશમાં સૌથી વધુ સંક્રમિત મુંબઇમાં છે. અહીં 96 દર્દી છે. મુંબઇમાં 16 અને પુણામાં 2 લોકો કોરોના સંક્રમિત થયા છે. પુણાના ક્લેક્ટર નવલ કિશોર રામે જણાવ્યું કે જિલ્લામાંથી દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરજકની જમાતમાં 130 લોકો સામેલ થયા હતા. જેમાં અનેક લોકો ગુમ છે. જેમની તલાશ ચાલુ છે. 60 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બધાને કારણે પ્રદેશમાં સંક્રમણથી મૃત્યુનો સીલસીલો ચાલુ છે. અત્યારસુધીમાં 12 કોરોના સંક્રમિત દર્દીએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં 1લી એપ્રિલે 20 નવા કેસ સામે આવ્યા છે. જોકે આ 20 સંક્રમિત કેસ ક્યા જિલ્લા અને ક્યા શહેરના છે તે હાલ સામે આવ્યું નથી. તો મંગળવારે પણ 19 પોઝિટિવ દર્દી મળ્યા હતા. ઇંદોરમાં સંક્રમિતોની સંખ્યા 44 થઇ ગઇ છે. જ્યારે જબલપુરમાં પણ દર્દીઓની સંખ્યા વધી 8 થઇ ગઇ છે. મધ્યપ્રદેશના ઇન્દોર શહેર સંક્રમણનું કેન્દ્ર બની રહ્યું છે.

કેરળ રાજ્યમાં મંગળવારે 7 સંક્રમિત મળ્યા છે. જ્યારે રાજ્યના તમામ 14 જિલ્લા સંક્રમણની ઝપેટમાં છે. સૌથી વધુ 109 દર્દી કાસરગોડમાં છે. કેરળમાં અત્યારસુધી બે લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. કેરળ સરકાર સંક્રમણને રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

રાજ્યમાં મંગળવારે 14 નવા કેસ સામે આવ્યા. જયપુર, ઝુઝનું, ડુંગરપુરમાં એક એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ ઇરાનથી એરલિફ્ટ કરવામાં આવેલા લોકોમાંથી 10 લોકો પણ સંક્રમિત થયા છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા 93 થઇ ગઇ છે. જેમાં માત્ર 3 લોકો જ સાજા થયા છે.

ઉત્તરપ્રદેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. મંગળવારે અહીં બરેલીમાં 5 નવા કેસ સામે આવ્યા. ત્યારબાદ રાતે 3 નવા કેસ પણ પોઝિટિવ મળ્યા. રાજ્યમાં સોમવારે 24 કોરોના સંક્રમિત મળ્યા હતા. સૌથી વધુ 30 કોરોના પોઝિટિવ ગૌતમ બુદ્ધ નગરમાં છે. ઉત્તરપ્રદેશ પોલીસે કહ્યું કે રાજ્યમાં એવા 157 લોકોની શોધખોળ ચાલુ છે, જે નિઝામુદ્દીન સ્થિત મરકઝના તબ્લિગી ઇજ્તિમામાં સામેલ થયા હતા. આ જમાત બાદ પ્રદેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 104 થઇ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે 17 લોકો સાજા થઇ ચૂક્યા છે અને રાહતની વાત એ છે કે બીમારીમાં અત્યારસુધીમાં કોઇ મૃત્યુ થયું નથી.

બિહારમાં મંગળવારે 6 પોઝિટિવ કેસ મળ્યા. ત્યારબાદ પ્રદેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીની સંખ્યા 21 થઇ ગઇ છે. બિહારમાં સૌથી પ્રથમ કેસ ત્યારે સામે આવ્યો હતો જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું હતું. બિહાર સરકારે લોકડાઉનના કારણે પલાયન કરી બિહાર પહોંચેલા મજુરોને બોર્ડર પર જ રોકી દીધા છે. તેમને કેમ્પમાં રાખવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન વિસ્તારમાં મરજકમાં લોકો એકત્રિત થતા હડકંપ મચ્યો છે. તમામને હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં મંગળવારે 23 નવા કેસ સામે આવ્યા છે.

તેલંગણામાં 15 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી ઇ રાજેન્દ્રએ કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના તમામ 15 સંક્રમિત લોકો નિઝામુદ્દીન મરજકમાંથી પરત આવ્યા હતા. સૌથી વધુ 36 સંક્રમિત હૈદરાબાદમાં છે. રાજ્યમંત્રી કેટી રામારાવનું કહેવું છે કે પ્રદેશની સરહદ પર બીજા રાજ્યમાંથી આવેલા 9 લાખ મજુર છે. અમે હેદરાબાદમાં 170 કેમ્પ બનાવવા સક્ષમ છીએ. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 92 થઇ ગઇ છે જ્યારે 8 લોકોનાં મૃત્યુ થઇ ગયા છે.

દેશના 16 હોટ સ્પોટ જ્યાં સામુદાયિક સંક્રમણનો ખતરો છે તે અંગે વાત કરીએ તો 1.દિલશાહ ગાર્ડન, દિલ્હી, 2. નિઝામુદ્દીન, દિલ્હી, 3. પથનમથિટ્ટા, કેરળ, 4. કારસગોડ, કેરળ, 5. નોએડા, ઉત્તરપ્રદેશ, 6. મેરઠ, ઉત્તરપ્રદેશ. 7.ભીલવાડા, રાજસ્થાન, 8. જયપુર, રાજસ્થાન, 9. મુંબઇ, મહારાષ્ટ્ર, 10 પુણે, મહારાષ્ટ્ર, 11. અમદાવાદ, ગુજરાત, 12 ઇંદોર, મધ્યપ્રદેશ. 13. નવાંશહર, પંજાબ. 14. બેંગલુરુ, કર્ણાટક, 15 અંડમાન-નિકોબાર, 16 ઇરોડ, તમિલનાડુ.