આ ડોક્ટરે નવજાત બાળક માટે જે કર્યું, તમે પણ હાથ જોડીને કરશો નમન એ નક્કી!

મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. રસ્તા પર વાહનોના પૈડા થંભી ગયા છે. મુંબઇ નજીક અલીબાગમાં શુક્રવારે (10 એપ્રિલ) એક બાળકનો જન્મ થયો પરંતુ જન્મતાની સાથે જ તેને શ્વાસ લેવાની તકલીફ થઇ રહી હતી. ત્યાં હાજર એક ડોક્ટરે એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે એક નર્સને પોતાની બાઇક પર બાળક સાથે બેસાડી અને નજીકની અન્ય હોસ્પિટલ લઇ ગયા, જ્યાં આઇસીયુની સુવિધા હતી. આમ એક નવજાતની જીંદગી બચાવવામાં ડોક્ટર સફળ રહ્યાં હતા.

અલીબાગની રહેવાસી શ્વેતા પાટીલને શુક્રવારે લેબર પેન શરૂ થયું. તેના પતિ કેતન પાટિલ તેને નજીકના નર્સિંગ હોમ લઇ આવ્યા. કેતને જણાવ્યું કે શ્વેતાને ડાયાબિટિઝની સમસ્યા છે અને તેનું શુગર લેવલ નિયંત્રણમાં રાખવા માટે છેલ્લા કેટલાક સમયથી તે દવા પર નિર્ભર હતી. આ પહેલા તે પોતાના પ્રથમ બાળકનું ધ્યાન રાખવા છતા ગુમાવી ચૂકી હતી. શ્વેતાની મેડિકલ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડો. રાજેન્દ્ર ચંદોરકરે બોલાવવામાં આવ્યા. ઓપરેશન કરી શ્વેતાએ બાળકને જન્મ આપ્યો.

ડોક્ટર ચંદોરકરના જણાવ્યા પ્રમાણે મહિલાએ 3.1 કિલોગ્રામના બાળકને જન્મ આપ્યો. જન્મ લેતા જ બાળકમાં શ્વાસ લેવાની સમસ્યા દેખાઇ અને તેનું મોઢું લીલું થવા લાગ્યું. બાળકની તબિયત ગંભીર જણાતા ડોક્ટરે તેને એનઆઇસીયુમાં એડમિટ કરવાનું કહ્યું. નર્સિંગ હોમ પાસે એ સમયે એમ્બ્યુલન્સ નહોતી અને લોકડાઉનના કારણે ન તો કોઇ પ્રાઇવેટ ગાડી આવી શકે તેમ હતી.

આવી સ્થિતિમાં ડોક્ટર ચંદોરકરે મોડુ કરવાને બદલે તુરંત એક નિર્ણય લીધો. તેમણે પોતાની બાઇકથી નવજાતને નજીકની હોસ્પિટલ પહોંચાડ્યું, જ્યાં એનઆઇસીયુની સર્વિસ હતી. બીજી હોસ્પિટલમાં એનઆઇસીયુમાં રાખ્યા બાદ 12 કલાક બાદ બાળકની તબિયત સુધરી ગઇ.

ડોક્ટર ચંદોરકરે કહ્યું કે તેમના માટે આ સુંદર અનુભવ હતો. અલીબાગની મોટાભાગની હોસ્પિટલોમાં વેન્ટિલેટરની અછત છે. ગંભીર દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડે છે.