ગુજરાતના આંગણે દેશનું સૌથી મોટું ‘કોરોના કેર સેન્ટર’ તૈયાર, એકસાથે આટલા દર્દીઓને રાખવાની છે ક્ષમતા - Real Gujarat

ગુજરાતના આંગણે દેશનું સૌથી મોટું ‘કોરોના કેર સેન્ટર’ તૈયાર, એકસાથે આટલા દર્દીઓને રાખવાની છે ક્ષમતા

અમદાવાદ: દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને રાખી સરકારે ત્રણ મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે દેશમાં કોરોના સમર્પિત 602 હોસ્પિટલ તૈયાર છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં દેશનું સૌથી મોટું કોવિડ-19 દેખભાળ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં 2000 દર્દીને રાખી શકાશે.

ગુજરાતમાં કોરોનાના 617 કેસ સામે આવ્યા છે. જેમાંથી એકલા અમદાવાદમાં જ 346 લોકો સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. આવી સ્થિતિને ધ્યાને રાખી અમદાવાદના સ્થાનિક પ્રશાસને દેશના સૌથી મોટા કોવિડ-19 કેર સેન્ટર તૈયાર કર્યું છે. આ કેન્દ્રમાં 2000 દર્દીને સમાવવાની ક્ષમતા છે. જો કે તેમાં એવા દર્દીઓને જ રાખવામાં આવશે જેઓને કોઇ બીમારી અથવા અન્ય સમસ્યાઓ ન હોય.

અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, ગુજરાત વિશ્વવિદ્યાલય પરિસર નજીક એક હોસ્ટેલમાં તૈયાર કરવામાં આવેલા આ કેન્દ્રની મદદથી સરકારી હોસ્પિટલો પર પડી રહેલા બોજને ઘટાડી શકાશે. આ કેન્દ્રમાં દર્દી માટે પુસ્તકાલય, યોગ અને ઇન્ડોર રમતોની પણ સુવિધા હશે.

અમદાવાદના મનપા કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે અહીં અમે 2000 દર્દીને રાખી શકીશું. આ દેશનું પ્રથમ અને સૌથી મોટું કોવિડ-19 કેર સેન્ટર છે. તેઓએ જણાવ્યું કે આ સેન્ટરમાં આવનારા પ્રત્યેક દર્દીને એક બેડ અને જરૂરી વસ્તુઓ જેમ કે ટૂથબ્રશ, સાબુ અને બાલ્ટી આપવામાં આવશે.

નેહરાએ જણાવ્યું કે મેડિકલ ટીમ દિવસમાં બે વખત દર્દીની તપાસ કરશે અને સાવચેતી માટે આ ટીમ અહીં જ રહેશે. જેથી તેના માધ્યમથી સંક્રમણ બહાર ન ફેલાઇ. તેઓએ જણાવ્યું કે મેડિકલ ટીમના સભ્યોની પણ 14-14 દિવસે તપાસ કરવામાં આવશે.

આ કેન્દ્રનું નિરિક્ષણ કર્યા બાદ તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમણના 617 કેસ છે જેમાંથી 346 મામલા અમદાવાદના છે. કેન્દ્રમાં રહેનારા દર્દીને બહાર બનાવવામાં આવેલું ભોજન આપવામાં આવશે. તેઓએ જણાવ્યું કે એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

દર્દીઓ માટે જુદી લિફ્ટ રહેશે, ચેપ બહાર ન જાય તેની કાળજી લેવાશે. અધિકારી નીતિન સાંગવાન અને તેમની ટીમે આ સેન્ટર તૈયાર કર્યું છે. cctvની મદદથી તમામ બાબતોની ધ્યાન રખાશે. આ ફાઈનલ વિઝિટ હતી. હવે અહીં દર્દી લાવવામાં આવશે. આખો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાશે.