રેલવેનો ઓવરબ્રિજ તોડીને પુલ ઉપર લટકી ગઈ બસ, મુસાફરોને જીવ તાળવે ચોંટ્યા

ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં યાત્રીઓથી ભરેલી બસ અકસ્માતનો શિકાર થઈ ગઈ હતી. વારાણસીનાં લહરતારા રેલવે ઓવરબ્રિજ પર બસ અનિયંત્રિત થઈને પુલની રેલિંગ તોડીને હવામાં લટકી ગઈ હતી. દુર્ઘટનામાં ચાર યાત્રીઓને સામાન્ય ઈજા પહોંચી છે.

જાણકારી મુજબ, યાત્રીઓથી ભરેલી બસ પ્રયાગરાજથી વારાણસી આવી રહી હતી. દુર્ઘટનાંનાં સમયે બસમાં 35 યાત્રીઓ સવાર હતા. જેમણે બાદમાં બસનાં ઈમરજન્સી ગેટને તોડીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તો દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બસનાં ડ્રાઈવર સૂરજ પ્રતાપે જણાવ્યુકે, ટેક્નિકલ ખામીને કારણે બસ દુર્ઘટનાનો શિકાર થઈ હતી.

મુસાફરોના શ્વાસ અટકી ગયા
અકસ્માત બાદ બસમાં સવાર મુસાફરોનાં શ્વાસ અટકી ગયા હતા. અફરા-તફરી વચ્ચે સ્થાનિક લોકો અને બસ ચાલકની સુઝ-બુઝને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. બસના ડ્રાઇવર અને કંડકટરે મુસાફરોને તેમની સીટ પર બેસવાની અપીલ કરી હતી, ત્યારબાદ બસનો ઇમરજન્સી મિરર તોડવામાં આવ્યો હતો અને તમામ મુસાફરોને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સમયે બ્રિજ પર લોકોની ભીડ જામી હતી.

ક્રેનથી બસને હટાવવામાં આવી
સિગરાના ઇન્સ્પેક્ટર આશુતોષ ઓઝાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. બધા મુસાફરો સલામત છે અને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ક્રેનની મદદથી, લટકતી બસને પુલ પરથી દૂર કરવામાં આવી હતી.