એક્સપ્રેસ-વે પર કારમાં આગ લાગતાં પતિની નજર સમક્ષ પત્ની જીવતી સળગી ગઈ

ઉત્તર પ્રદેશના આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પર ફતેહાબાદ નજીક એક દુ:ખદ ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં પતિની નજર સમક્ષ જ પત્નીનું કારમાં જીવતી સળગી જવાથી મોત નિપજ્યું હતું. મહત્વની વાત એ છે કે, થોડા દિવસ પહેલાં જ બન્નેના લગ્ન થયા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું. આ દ્રશ્ય જોઈને પતિ રસ્તા પર જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. લખનઉ મોહનલાલગંજ નિવાસી વિકાસ યાદવ પોતાની કારનું બોનેટ ખોલીને ચેક કરતો હતો તે દરમિયાન કારમાં અચાનક આગ લાગી હતી. કારનું સેન્ટ્રલ લોક થઈ જવાને કારણે પત્ની રીમા કારમાંથી બહાર નીકળી શકી નહોતી. આ ઘટના સર્જાયા બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પતિ અને પત્ની બંને મથુરાથી કારમાં પરત આવી રહ્યા હતા. તે દરમિયાન એક્સપ્રેસવે પર આ ઘટના સર્જાઈ હતી. પતિ વિકાસનું કહેવું છે કે, તેણે મદદ માટે ખૂબ બૂમો પાડી પરંતુ રાત્રે લોકો પોતાના વાહનોની બ્રેક મારીને મદદ કર્યાં વગર જ ભાગી જતા હતા. પોલીસ જ્યાં સુધી ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધી વિકાસની પત્ની ભગવાન પાસે પહોંચી ગઈ હતી.

પત્નીને બચાવવા માટે વિકાસે ખૂબ મહેનત કરી હતી પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, તેના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ અંગેની જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે પહોંચવામાં એક કલાકનો સમય લાગ્યો હતો. રસ્તામાં ખૂબ જ ધુમ્મસ હોવાથી ઇમરજન્સી સેવાને ત્યાં પહોંચવામાં વાર લાગી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે, ગુરુવારે મોડી રાત્રે આશરે દોઢ વાગ્યે એક્સપ્રેસ વે પર આ દુર્ઘટના સર્જાઈ હતી. લખનઉ નિવાસી વિકાસના બીજી ડિસેમ્બરે કૃષ્ણા નિવાસી રીમા સાથે લગ્ન થયા હતા. 30 ડિસેમ્બરના રોજ પતિ-પત્ની મુથારા વૃંદાવન દર્શન માટે ગયા હતા. 31મી રાત્રે બંને કાર લઈને આગ્રા થઈ લખનઉ પરત આવતાં હતાં તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી.

પતિ-પત્ની કાર લઈને એક્સપ્રેસવે પર ફતેહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યા ત્યારે કારના બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ત્યાર બાદ વિકાસે કાર રોકી દીધી હતી અને બોનેટ ખોલીને જોવા લાગ્યો હતો. ત્યારે અચાનક કારના બોનેટમાં આગ લાગી ગઈ હતી અને જોત જોતામાં આગે આખી કારને પોતાની લપેટમાં લઈ લીધી હતી.

વિકાસના કહેવા પ્રમાણે, કારનું સેન્ટ્રલ લોક સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી. તેણે પત્નીને બહાર કાઢવાના અનેક પ્રયાસ કર્યાં પરંતુ સફળતા મળી ન હતી. તેને બાજુમાં કોઈ પથ્થર પણ મળ્યાં ન હતા જેનાથી કાચને તોડી શકાય. ત્યાર બાદ વિકાસની નજર સમક્ષ જ તેની પત્ની જીવતી સળગી ગઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની સહાય પહોંચી ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું.