ગુજરાતના આ મોટા શહેરમાં ઉત્તરાયણ ‘સ્પેશિયલ ઈમ્યુનિટી બુસ્ટર ચિક્કી’ મચાવે છે ધૂમ

સુરત: હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે દરેક દેશમાં કોરોનાને રોકવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે જોકે તે અટકવાનું નામ જ નથી લેતો. ત્યારે કોરોનાથી બચવા અલગ-અલગ નુસખા પણ અજમાવવામાં આવ્યા હતા ત્યારે હવે ઈમ્યુનિટી બુસ્ટર ચિક્કી સુરતના માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. બે દિવસ પછી ઉત્તરાયણ છે તો મોટા ભાગના લોકોના ઘરોમાં ચિક્કી બનાવવામાં આવતી હોય છે પરંતુ આ વખતે ‘સ્પેશિયલ ઈમ્યુનિટી બુસ્ટર ચિક્કી’ આવી છે. હાલ સુરતમાં આ બુસ્ટર ચિક્કીનો ટ્રેન્ડ શરૂ થયો છે. હાલ 17થી વધુ જાતની ચિક્કીનું વેચાણ શરૂ થયું છે.

150 વર્ષથી ચિક્કીની પેઢી ચલાવતા દીપા વાંકાવાલાએ સ્પેશિયલ ઈન્યુનિટી બુસ્ટર ચિક્કી અંગે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પહેલા ખાવાની વાનગીઓનો બિઝનેસ એટલે ચિક્કીનો વેપાર. ઉત્તરાયણ નજીક આવતાંની સાથે જ ઘણાં લોકો અવનવી ચિક્કી બનાવતાં હોય છે ત્યારે આ વખતે કોરોનાને કારણે ચિક્કીના બિઝનેસમાં 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ત્યારે આ વખતે કોરોનાને લીધે લોકો ઈમ્યુનિટી બુસ્ટર તરફ વળ્યાં હોવાથી અમે પણ તેને ધ્યાનમાં રાખીને ઈમ્યુનિટી બુસ્ટર ચિક્કી બનાવવાનું શરૂ કર્યું હતું જે હાલ માર્કેટમાં બહુ જ ડિમાન્ડ છે.

દીપા વાંકાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, કાળા અને સફેદ તલમાં ભરપૂર શક્તિ રહેલી હોય છે. જો તેમાં ગોળ ભેળવો તો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. જેના કારણે કાળા અને સફેદ તલની ચિક્કીની વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે. આ ઉપરાંત ડ્રાયફ્રૂટ પણ શરીર માટે સારાં હોવાથી ડ્રાયફૂટની ચિક્કી પણ બનાવીને વેચવાનું શરૂ કર્યું છે.

આ ચિક્કીની વિદેશોની ધરતી પર પણ માંગ વધુ જોવા મળતી હોય છે. ગ્રાહકો પણ ઉત્તરાયણના બહાને દૂરદૂરથી આવી પોતાના પરિવાર અને મિત્રો માટે આ ચિક્કીની ખરીદી કરતા જોવા મી રહ્યાં છે. આ ચિક્કીનો ભાવ પર નોર્મલ ચિક્કી જેટલો રાખવામાં આવ્યો છે. કારણ કે, કોરાના કાળની પરિસ્થિતિમાં લોકો સરળતાથી ચિક્કીની ખરીદી કરી શકે.