ગુજરાતમાં રેકોર્ડ કિંમતે ભેંસનું થયું વેચાણ, ભેંસના માલિક બની ગયા લખપતિ

કચ્છના ભુજના કુનરીયા ગામના એક પશુપાલકની ભેંસ પાંચ લાખ 11 હજાર રૂપિયામાં વેચાઈ છે. સુરતના માલધારીએ આ ભેંસ ખરીદી છે. જાણકારોનું માનવું છે કે 5.11 લાખની કિંમત ઉપજી હોય તેવો આ પહેલો દાખલો છે. ટૂંકુ મોઢું, લાંબી ગરદન, ટૂંકી પૂંછડી આ જાતવાન કુંઢીની ખાસિયત છે, રોજ બે ટાઈમ 23 લિટર દૂધ આપે છે. ભુજના કુનરીયાના આહીર પશુપાલક ભરતભાઈ લખમણ ડાંગરની લાડકી ‘ધાલુ’ નામની આ ભેંસને સુરતના કાળુભાઈ દેસાઈ નામના માલધારીએ ખરીદી છે.

સોદામાં દલાલ તરીકે રહેલાં નજીકના લોરિયા ગામના હુસેન મામદ કુંભારે જણાવ્યું હતું કે 1998થી પિતાની જેમ ભેંસોની દલાલી કરું છું પણ 5.11 લાખની કિંમત ઉપજી હોય તેવું આ પહેલા બન્યું નથી. ટૂંકમાં કહીએ તો કુંઢીની વેચાણ કિંમતનો નવો જ વિક્રમ સર્જ્યો છે. ભેંસ વેચનારાં ભરતભાઈએ જણાવ્યું કે, ‘તેમની ભેંસ અસ્સલ કુંઢી ઓલાદની છે. બંને શિંગ ગોળ વળેલી છે. માપના આંચળ, ટૂંકુ મોઢું, લાંબી ગરદન, ટૂંકી પૂંછડી આ જાતવાન કુંઢીની ખાસિયત છે. દોહવા બેસો તો પગ જાણે થાંભલા હોય તેમ જ્યાં સુધી દોહી ના લેવાય ત્યાં સુધી પગ ઊંચા કરતી નથી. કોઈ તેને તેના હુલામણા ‘ધાલુ’ના નામથી પોકારે તો તરત દોડતી આવીને મોઢું ખોળામાં મૂકી દે. રોજ બે ટાઈમ 23 લિટર દૂધ આપે છે.’

ભેંસ ખરીદનારાં સુરતના કાળુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘તેમની પાસે પાંચસો ગાય-ભેંસ છે. કચ્છમાંથી તે અવારનવાર ભેંસો ખરીદતાં રહે છે. અગાઉ પણ ચારથી પાંચેક લાખ સુધીની કિંમતમાં ભેંસ ખરીદેલી છે.’ ધાલુને 5.11 લાખમાં ખરીદવા પાછળનું રહસ્ય જણાવતાં તેમણે જણાવ્યું કે, ‘ભેંસ-ભેંસમાં ફરક છે. ધાલુ અસ્સલ કુંઢી નસ્લની જાતવાન ભેંસ છે. ધાલુ સાત વર્ષની છે. આવી જાતવાન ભેંસ ભાગ્યે જ જોવા મળે છે.’

હુસેન કુંભારે જણાવ્યું કે, ‘કુંઢી ભેંસ સિંધ પ્રાંતમાં પણ જોવા મળે છે. જ્યાં તેને ‘સિંધણ’ભેંસ કહે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રીસર્ચની ઈન્ડિયન બ્રીડ રજિસ્ટ્રેશન કમિટીએ 2010માં બન્નીની કુંઢી ભેંસને દેશની અલગ ઓલાદ તરીકે માન્યતા આપી હતી. અન્ય ભેંસોની તુલનાએ કુંઢીની ખાસિયત છે કે તે રોજ સરેરાશ 12થી 18 લિટર દૂધ આપે છે.